વારાણસીની જિલ્લા અદાલતમાં આજે જ્ઞાનવાપી કેસની સુનાવણી થવાની છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(ASI) આજે મંગળવારે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજુ કરી શકે છે. ગત સુનાવણીમાં ASIએ કોર્ટ પાસે 10 દિવસનો સમય માંગ્યો હતો. જિલ્લા ન્યાયાધીશ ડૉ.અજય કૃષ્ણ વિશ્વેશે આજે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. શ્રૃંગાર ગૌરી સહિતની મૂર્તિઓની પૂજા કરવાના અધિકારની માગણી કરતી દિલ્હીની વાદી રાખી સિંહ સહિત પાંચ મહિલાઓની અરજી પર જિલ્લા અદાલતે ASI દ્વારા જ્ઞાનવાપી સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો.
ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને 17 નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લી સુનાવણીમાં ASI એડવોકેટે કોર્ટમાં અરજી દાખલ કરીને સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે 15 દિવસનો સમય માંગ્યો હતો. દલીલ કરી હતી કે અડધાથી વધુ સર્વે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે હૈદરાબાદ આઈઆઈટીના જીપીઆર (ગ્રાઉન્ડ-પેનિટ્રેટિંગ રડાર) મશીનથી ગ્રાઉન્ડની અંદર સર્વે અને તપાસ પણ કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ હજુ મળ્યો નથી. જો કે, મુસ્લિમ પક્ષ તરફથી આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટે ASIને વધુ 10 દિવસનો સમય આપ્યો હતો.
ASIએ સર્વે માટે ટીમમાં દેશભરના નિષ્ણાતોનો સમાવેશ કર્યો હતો. આ માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ASI ટીમમાં ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. આલોક કુમાર ત્રિપાઠીના નેતૃત્વમાં સારનાથ, પ્રયાગરાજ, પટના, કોલકાતા અને દિલ્હીના પુરાતત્વ નિષ્ણાતોએ સર્વેની કામગીરી કરી હતી. જ્ઞાનવાપીમાં જીપીઆર ટેકનોલોજીનો અભ્યાસ કરવા હૈદરાબાદથી નિષ્ણાતોની ટીમ આવી હતી.