આ ગુજરાત (બીમારૂં)કોણે બનાવ્યું છે? હર-ઘર ખાટલા-ઘર- ઘર ખાટલા!

રાજ્યમાં આ વખતે પડેલા સવા સો ટકા વરસાદ,જળ જમાવ અને પાણી ભરાઈ રહેવાના કારણે ફેલાયેલા મચ્છરર્જન્ય રોગચાળાએ મોટા શહેરોમાં માથું ઉચક્યું છે. રાજ્યના ચાર મહાનગર સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પછી ભૂજમાં ભેદ ભરમ વળી બીમારીએ ચિંતા વધારતા લગભગ 19 મોત નિપજ્યાં છે.

ગુજરાતના મોટા ભાગના શહેર-જિલ્લાઓ બીમારીની ચપેટમાં આવી ગયા છે .બદલાતી છ્તા મિશ્ર ઋતુના કારણે મચ્છરોને માફક એવા ભેજયુક્ત વાતાવરણે ગુજરાતને બીમાર પાડી દીધું છે. મચ્છરજન્ય રોગચાળાના પરિણામે પાટણ જીલ્લામાં છેલ્લા એક મહિનામાં 10 હજાર દર્દીઓએ સારવાર લેવી પડી છે. અહીં કેટલાક સમયથી ડેન્ગ્યુ, મેલેરિયા, હિપેટાયટીસ અને વાયરલ ફીવરના રોગચાળાએ માથું ઊંચક્યું છે.ગુજરાતમાં એક તરફ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે તો બીજી તરફ બીમારીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં ઠેર-ઠેર ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માજા મૂકી છે. ઘેર-ઘેર બીમારીના ખાટલા છે તો હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાતા વોર્ડ બહાર બેડ મૂકવાની ફરજ પડી છે. આ બીમારીઓને કારણે સપ્ટેમ્બર મહિનામાં જ 20થી વધુ મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે.
પાટણની સરકારી હોસ્પિટલ્સ ઉભરાઇ છે. દર્દીઓની લાંબી કતાર છે અને દવા માટે પણ પડાપડી થઈ રહી છે. આવી જ સ્થિતિ ખાનગી દવાખાનાની પણ છે, પાટણ શહેરની સરકારી હોસ્પિટલોમાં દરરોજની OPD- 600થી 700 દર્દીઓની છે. જેમાં ખાસ કરીને નાના બાળકોમા ડેન્ગ્યૂની બીમારી વધી રહી છે સાથે વાયરલ ફીવરના પણ કેસો વધી રહ્યા છે.

ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શન, ઝાડા-ઉલટી, ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ વિવિધ બીમારીઓના 10 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી બને છે કે આ આંકડો માત્ર શહેરની સરકારી હોસ્પિટલો પૂરતો જ સિમિત છે. જો તેમાં ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિક સહિત અન્ય સરકારી દવાખાનામાં નોંધાયેલા કેસના આંકડો ઉમેરવામાં આવે તો આ આંકડો ચિંતા ઉપજાવે તેવો હોઇ શકે છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ ભેજયુક્ત વાતાવરણને કારણે મચ્છરોની ઉપદ્રવ વધી ગયો છે. તેવામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ દરમિયાન મચ્છરજન્ય રોગ, વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં લાંબા ગાળા સુધી વરસાદી પાણી ભરાયેલા હતા. જેમાં મચ્છરોની ઉત્પત્તિ વધવાને કારણે મચ્છરજન્ય રોગમાં ધરખમ વધારો થયો છે.
બીમારીનો સપ્ટેમ્બર
શહેર | ડેન્ગ્યૂ | મેલેરિયા |
સૂરત | 82 | 10 |
વડોદરા | 68 | 22 |
અમદાવાદ | 740 | 232 |
રાજકોટ | 100 | 2 |
જામનગર | 87 | 54 |
પાટણ | 114 | 01 |
ભરુચ | 2 | 27 |
આ તમામ આંકડાઓ સરકારી હોસ્પિટલના છે પરંતુ દર્દીઓની કતારો ખાનગી હોસ્પિટલ તરફ પણ વ્યાપક છે. હવામાન વિભાગની આગાહી અને આસામ -ઉત્તરાખંડ -હિમાચલમા બદલાતી પેટર્ન કારણે હજુ નવરાત્રિ સુધી ગુજરાતમાં વરસાદ કે ભારે ઝાપટાં પાડવાની આશ્ઙ્કાઓ સેવાઇ રહી છે ત્યારે ,આગામી નવરાત્રિ પર્વમાં આ રોગચાળો વાકરે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી