
અમદાવાદઃ દર વર્ષે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ ભારતીયોની પ્રથમ પસંદગી છે. ટ્રમ્પ શાસન આવ્યા બાદ આમ પણ ગુજરાતીઓ અને ભારતીયોનો અમેરિકાથી મોહભંગ થયો છે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને વિઝાના કડક બનાવેલા નિયમોના કારણે આ વર્ષે અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો થયો છે. ટ્રમ્પ પ્રશાસનની નીતિને કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓની સાથે વર્કિંગ કર્મચારીઓ પણ વિમાસણમાં મૂકાય છે.
અમદાવાદ સ્થિત ફોરેન એજ્યુકેશન કન્સલટન્ટના જણાવ્યા મુજબ, અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 25 થી 30 ટકા સુધીનો ઘટાડો થયો છે. ઘણા વિદ્યાર્થીઓ તેમની અરજીમાં વિલંબ કરી રહ્યા છે. તેઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
આપણ વાંચો: ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો, F-1 વિઝાના આંકડા જાણો
અન્ય એક વિઝા કન્સલટન્ટના કહેવા પ્રમાણે, અમેરિકામાં મોટા ભાગે ટ્યુશન ફી ખર્ચ 70 ટકા અને લિવિંગ એક્સપેન્સિસ (જીવન નિર્વાહ ખર્ચ) 30 ટકા જેટલો છે. ટ્રમ્પ સરકારે નવા ટેરિફ લાદ્યા બાદ લિવિંગ એક્સપેન્સિસમાં 10 ટકા જેટલો વધારો થયો છે.
પહેલા માસિક લિવિંગ ખર્ચ 600થી 700 ડૉલર (આશરે 59,888 રૂપિયા) થતો હતો, જે હવે વધીને 1000 ડૉલર (આશરે 85,553 રૂપિયા) પહોંચ્યો છે. આ ઉપરાંત ગ્રોસરી અને ફ્યુઅલની કિંમતમાં પણ વધારો થયો છે.
ખાસ કરીને ટ્રમ્પ શાસન પછી અને વિઝાના નિયમો કડક થયા બાદ આ સંખ્યામાં ઘટાડો થયો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જતા હતા, પરંતુ તાજેતરના વર્ષોમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.