
ગુજરાતમાં દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટ કરવામાં આવતી હોય છે. આ સમિટ દ્વારા વિદેશી રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. પરંતુ આંકડા તેના કરતાં થોડા વિપરિત છે. કારણે કે, વિદેશી રોકાણમાં ગુજરાત કરતા મહારાષ્ટ્ર આગળ નીકળી ગયું છે. મહત્વની વાત એ છે કે, મહારાષ્ટ્ર કોઈ વાઈબ્રન્ટ સમિટ યોજવામાં નથી આવતી તેમ છતાં પણ FDI ઈક્વિટી ફ્લોમાં તે નંબર વન બની ગયું છે. કોરોના બાદ ગુજરાતમાં FDI માં ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ કેમ ઘટી રહ્યું છે?
હવે પ્રશ્ન એ થાય છે કે, ગુજરાતમાં વાઈબ્રન્ટ જેવી સમિટનું આયોજન થતું હોવા છતાં પણ પ્રત્યક્ષ વિદેશી રોકાણ કેમ ઘટી રહ્યું છે? આના પાછળ કયા પરિબળો જવાબદાર છે? ભારત સરકારના ડિપોર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા શુક્રવારે રાજ્યસભામાં એક રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. જેમાં FDI વિશે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલું વિદેશી રોકાણ આવ્યું તેની વિગતો આપવામાં આવી હતી.
FDI ઈક્વિટી ગુજરાત કરતા મહારાષ્ટ્ર મોખરે રહ્યું
છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં ગુજરાતમાં વર્ષ 2024-25માં FDI ઈક્વિટીમાં 1,589 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કોરોના બાદ FDI ઈક્વિટી ફ્લોમાં ગુજરાતમાં સૌથી વધારે 21,890 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું હતું. જ્યારે આજ સમયે મહારાષ્ટ્રમાં 16,169 કરોડનું વિદેશી રોકાણ થયું હતું. પરંતુ તે પછીના આંકડાની વાત કરવામાં આવે તો, 2021-22માં મહારાષ્ટ્રમાં 15,438 કરોડ રૂપિયા અને ગુજરાતમાં માત્ર 2,707 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું હતું. જેમાં સ્પષ્ટ રીતે જોઈએ શકાય છે કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં વધારે ડાઉનફોલ છે.
ભારત સરકારે પણ મહારાષ્ટ્રમાં વધારે રોકાણ કર્યું
આ બાબતે 2024-25ની વાત કરવામાં આવે તો, મહારાષ્ટ્રમાં 19,588.92 કરોડ રૂપિયા અને ગુજરાતમાં 5,711.02 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા રોકાણમાં પણ મહારાષ્ટ્ર ગુજરાત કરતા મોખરે રહ્યું છે. આંકડા પ્રમાણે 2025 સુધીમાં ભારત સરકારે ગુજરાતમાં 89 પ્રોજેક્ટ હેઠળ 1,66,904 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં ભારત સરકારે 157 પ્રોજેક્ટ હેઠળ 2,18,215 રકોડનું રોકાણ કર્યું હતું. ગુજરાતમાં વિદેશી રોકાણ અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા રોકાણમાં મહારાષ્ટ્ર કરતા પાછળ રહ્યું છે.