ગુજરાતની કોર્ટમાં 15 લાખથી વધુ કેસનો ભરાવોઃ જ્યુડિશિયલ ઓફિસરની 535 જગ્યા ખાલી
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતની ડિસ્ટ્રિક્ટ અને સબ ઓર્ડિનેટ કોર્ટમાં 15.61 લાખ કેસનો ભરાવો થયો છે. રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, 15 નવેમ્બર, 2024 સુધીમાં 3.5 લાખ સિવિલ કેસ, 12.11 લાખ ક્રિમિનલ કેસ અને 30 સપ્ટેમ્બર, 2024 સુધી ફેમિલી કોર્ટમાં 50,128 કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટોમાં 21 નવેમ્બર, 2024 સુધીમાં જ્યુડિશિયલ ઓફિસરની 535 જગ્યા ખાલી છે. રાજ્યસભા સાસંદ નીરજ શેખર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
ગુજરાતની કોર્ટમાં કેટલા કેસ છે પેન્ડિંગ?
15 નવેમ્બર, 2024 સુધી રાજ્યમાં 15,61,196 કેસ પેન્ડિંગ હતા, જેમાંથી 3,50,166 સિવિલ કેસ, 12,11,030 ક્રિમિનલ કેસ હતા. 1 જાન્યુઆરી, 2024ની તુલનાએ કેસમાં ઘટાડો થયો હતો. 1 જાન્યુઆરી સુધી રાજ્યમાં 15,89,468 કેસનો બેકલોગ હતો.
2023ની તુલનામાં 2024માં કેસમાં વધારો થયો કે ઘટાડો?
સરકારી આંકડા પ્રમાણે, ગુજરાતમાં 2023ની તુલનામાં 2024માં ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટમાં કેસનું ભારણ થોડું ઘટ્યું હતું. સિવિલ કેસ 3,77,382થી ઘટીને 3,50,166 થયા હતા, એટલે કે 27,216 કેસનો એક વર્ષમાં ઘટાડો થયો હતો. આવી જ રીતે સમાનગાળામાં ક્રિમિનલ કેસમાં પણ નોંધનીય ઘટાડો થયો હતો. 2023ના 12,58,375ની સામે 2024માં ક્રિમિનલ કેસ ઘટીને 12,11,030 થયા હતા. ક્રિમિનલ કેસમાં એક વર્ષમાં 47,345નો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો : હજુ તો અડધો દિવસ નથી થયો ત્યાં ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 12 જણે જીવ ગુમાવ્યાં
ગુજરાતમાં કેટલી ફેમિલી કોર્ટ કાર્યરત છે?
કાયદા મંત્રાલયે, આજે રાજ્યસભામાં અન્ય એક પ્રશ્નના જવાબમાં, ભારતભરની ફેમિલી કોર્ટમાં પડતર કેસોની પણ માહિતી આપી હતી, જે મુજબ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ગુજરાતમાં 50 ફેમિલી કોર્ટ કાર્યરત છે. 2022માં આ અદાલતોમાં 24,910 કેસ નોંધાયા હતા, જે 2023માં વધીને 27,194 અને 2024માં વધીને 44,037 થયા હતા.
ઉપરાંત કેસના નિકાસની સંખ્યામાં વધારો થયો હતો. 2022માં 26,557 2023માં 30,084 અને 2024માં 30,659 કેસોનો નિકાલ થયો હતો. આમ, પડતર કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. 2022માં 34,761થી ઘટીને 2023માં 31,954 નોંધાયા હતા. જ્યારે 2024માં અચાનક વધીને 50,128 પર પહોંચ્યા હતા.