ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની થશે પસંદગી? જાણો કયા નામોની છે ચર્ચા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપસિંહની જીત બાદ કમુરતા પહેલા સંગઠનની રચના પૂર્ણ કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકાને પંચાયતની ચૂંટણી પહેલા નવા પ્રમુખને કમાન સોંપવાની તજવીજ શરૂ થઈ ચુકી છે.
આ નામો છે ચર્ચામાં
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ પૂર્ણશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે. થોડા જ દિવસોમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કોના નામની જાહેરાત થશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જે ચેહરાનું નામ હોય તેને ક્યારેય મુકાતા હોતા નથી. ભુતકાળમાં મુખ્યમંત્રી તરીકે અથવા તો પ્રદેશ પ્રમુખ તરીકે જે નામો ચર્ચામાં હતા તેને બદલે અન્ય ચહેરાને જ મુકાયા હતા. આ વખતે પણ આવું જ થઈ શકે છે.
આ પણ વાંચો :ગુજરાતમાં પણ મહારાષ્ટ્રવાળીઃ અજિત પવારના જૂથે નવા પ્રદેશપ્રમુખની કરી જાહેરાત…
મહિલા પણ બની શકે છે પ્રદેશ પ્રમુખ
અન્ય એક ચર્ચા મુજબ, આ વખતે કોઈ મહિલા આગેવાનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. જેની પાછળનુ કારણ અને તારણ એવુ છે કે, જો કોઈ મહિલા હોય તો સરકાર અને સંગઠન વચ્ચે સહમતિ સાધવામાં ખાસ કોઈ મુશ્કેલીઓ ન આવે અને સરકાર તેમજ સંગઠનમાં સરળતાથી તેમજ કોઈ ગુંચવણો વગર કામો આગળ વધી શકે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત મહિલા પ્રમુખની નિયુક્તિ કરીને એક નવો મેસેજ આપે તો કોઈને પણ નવાઈ નહી લાગે. જો મહિલાના નામ પર છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય તો પછી સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતમાંથી કોઈ ઓબીસી નેતાને પ્રમુખ બનાવાશે.
ગુજરાત ભાજપની આ છે પરંપરા
સચિવાલાયના સૂત્રો મુજબ, હાલ રાજ્યમાં મુખ્યમંત્રી પાટીદાર જ છે. જ્યારે ભાજપમાં એવી પરંપરા છે કે, જો મુખ્યમંત્રી પાટીદાર હોય તો પ્રમુખ તરીકે પાટીદારની પસંદગી નથી થતી. એ જ રીતે જો પ્રમુખ તરીકે કોઈ પાટીદાર હોય તો પછી મુખ્યમંત્રી તરીકે પાટીદારને મુકાતા હોતા નથી. તેથી હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોની પસંદગી થશે તે થોડા દિવસોમાં જ ખબર પડી જશે.