માત્ર 200 રૂપિયા માટે દેશ સાથે ગદ્દારી, ઓખાથી ઝડપાયેલા જાસૂસની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
દ્વારકાઃ ગુજરાત એટીએસ દ્વારા ફરી એક વખત દેશના ગદ્દારને ઝડપવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરવાના આરોપમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઓખા બીચ પર એક કંપનીમાં નોકરી હતી. જેની આડમાં તે ઓખા, દ્વારકા, જામનગરથી ભારતીય સૈનિકો સાથે જોડાયેલી જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. એટીએસએ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઓખામાં રહેતા દિપેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો.
એટીએસે શું કહ્યું?
એટીએસના એસપી કે સિદ્ધાર્થે માહિતી આપતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ખાતે રહેતો દિપેશ બટુકભાઈ ગોહેલ છેલ્લા ત્રણેક વર્ષથી ઓખા જીટી ઉપર કોસ્ટ ગાર્ડની બોટો રીપેરીંગનું કામ કરતો હતો. આજથી સાત એક મહિના પહેલા તે ફેસબુક પર ‘Sahima’ નામ ધરાવતી એક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. જે દરમિયાન સાહિમાએ દિપેશ ગોહેલ સાથે વોટ્સેપનાં માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો. સાહિમાએ દિપેશ ગોહેલને તેના કામ વિશે પૂછતા તેણે ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડીંગ તથા ઇલેક્ટ્રીક તથા ફર્નિચરને લગતું કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સાહિમાએ તેને જણાવ્યું હતું કે ઓખા પોર્ટ ઉપર કોસ્ટ ગાર્ડની જે કોઈ શિપ ઉભી હોય તેના નામ તથા નંબરની માહિતી તેને આપવી અને તેને રોજના 200 લેખે દર મહિને પૈસા તેના બેંક ખાતામાં જમા કરાવશે. જેથી દિપેશે સાહિમાને વોટ્સએપના માધ્યમથી પૈસાની લાલચમાં દરરોજ ઓખા જેટી ઉપર જઈ ત્યાં હાજર બોટોનાં નામ તથા નંબરની માહિતી મોકલતો હતો. પૈસા મેળવવા તે પોતાના મિત્રોના યુપીઆઈ નંબરો આપતો હતો. આ માહિતી બદલ સાહિમાંએ તેણે આપેલા તેના મિત્રોના બેંક ખાતામાં છેલ્લા સાત મહિના દરમિયાન 42000 જેટલા યુપીઆઈથી જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, સંવેદનશીલ માહિતી મોકલતો જાસૂસ ઝડપ્યો…
પાકિસ્તાન જેવા દેશ માટે જાસુસી કરી રહેલો એજન્ટ ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષાનાં આંતરિક સલામતી માટે જોખમ રૂપ સાબિત થઈ શકે તેમ હતો જેના કારણે દિપેશ ગોહેલની વિરુદ્ધ BNS 61 તથા 148 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા પણ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા પંકજ કોટિયા નામના વ્યક્તિની પોરબંદરથી ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. તે પાકિસ્તાન નેવીને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આ જાસૂસ પોરબંદરની તમાકુ ફેક્ટરીમાં કામ કરતો હતો.