નવી દિલ્હી: નાણકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) માંગ અને મૂડી રોકાણમાં વધારાના આધારે જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે. એક વર્ષ અગાઉ આ સમાન ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા રહ્યો હતો. જોકે, આ વર્ષે એપ્રિલ-જૂનમાં જીડીપી વૃદ્ધિ દર ચાર ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ 7.8 ટકા હતો. આમ નાણકીય વર્ષ 2023-24ના બીજા ક્વાટરમાં જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડો થવાની સંભાવના છે. સરકાર 30 નવેમ્બરે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આંકડા જાહેર કરશે.
સરકારી મૂડી ખર્ચ અને વપરાશની ઝડપી ગતિએ પણ અર્થતંત્રને વેગ આપ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે બીજા ક્વાટર માટે વૃદ્ધિ દરનું અનુમાન 1.40% વધારીને 7.2% અને વર્ષ 2023-24 માટે વિકાસ દર 0.40% થી 6.5% કર્યું હતું.
અર્થશાસ્ત્રીઓના મતે વિકાસ દર 7.8 ટકાથી ઘટીને 6.8 ટકાની થવાનું કારણ કૃષિ અને સર્વિસ ક્ષેત્ર છે. જોકે, સર્વિસ સેક્ટરનો વિકાસ દર પાછલા ક્વાર્ટરમાં 10.3 ટકાથી ઘટીને 8.2 ટકાની આસપાસ રહ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ દર એપ્રિલ-જૂનના 5.5% થી વધીને બીજા ક્વાર્ટરમાં લગભગ 7% થઇ શકે છે. નબળા વરસાદે ખેતીને નુકસાન પહોંચાડ્યું, પરંતુ ખાણકામ અને અન્ય ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ વધારવામાં મદદ કરી.