ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 24 રાજ્યોનું ભૂગર્ભજળ પ્રદૂષિત, NGTએ ફટકારી નોટિસ
નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના કુલ 24 રાજ્યો તથા 4 કેન્દ્રશાસિત પ્રદેશોને ભૂગર્ભજળમાં હાનિકારક તત્વો મળતા નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ રાજ્યોના ભૂગર્ભજળમાં આર્સેનિક તથા ફ્લોરાઇડ જેવા હાનિકારક તત્વોની હાજરી સ્વીકાર્ય મર્યાદા કરતા વધુ પ્રમાણમાં જોવા મળી હતી.
એક મીડિયા સંસ્થાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દેશના કેટલાક રાજ્યોમાં ભૂગર્ભજળનો સરવે હાથ ધરાયો હતો, જેમાં 25 રાજ્યોના 230 જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂગર્ભજળમાં આર્સેનિક મળી આવ્યું છે જ્યારે 27 રાજ્યોના 469 જિલ્લાના કેટલાક ભાગોમાં ફ્લોરાઈડ મળી આવ્યું છે. આ મીડિયા અહેવાલ ઉપરથી એનજીટી એક સુઓમોટો સુનાવણી કરી રહ્યું છે. સુનાવણીમાં રજૂઆત થઇ છે કે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીના એક રિપોર્ટ મુજબ અમુક જિલ્લાઓ અને રાજ્યોમાં ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઈડની હાજરી જોવા મળી છે.
આ બંને તત્વો માનવ શરીરના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે તેમજ ઘાતક અસર કરી શકે છે. ટ્રિબ્યુનલે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય ભૂગર્ભ જળ પ્રાધિકરણ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને આ કેસમાં પક્ષકારો બનાવ્યા હતા.
NGTએ આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા સહિતના 24 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર, દાદરા અને નગર હવેલી, દિલ્હી અને પોડુંચેરીને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.