
જમ્મુ/કઠુઆઃ તમે કલ્પના પણ કરી શકો નહીં, પરંતુ એવા અકસ્માતો રેલવેમાં બનતા હોય છે, જેમાં ગયા વર્ષે ઓડિશામાં ખતરનાક અકસ્માત સર્જોયો હતો. એના પછી આ વર્ષે ગૂડ્સ ટ્રેન એક નહીં પણ અનેક કિલોમીટર લોકો પાઈલટ વિના દોડ્યાના સમાચારે રેલવે મંત્રાલયને હરકતમાં લાવી દીધું હતું. પ્રાથમિક તપાસમાં ટ્રેનના પાઈલટ સહિત છ અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
રેલવેના જમ્મુ તાવી-પઠાણકોટ સેક્શનમાં કઠુઆથી ઊંચી બસ્સી સ્ટેશનની વચ્ચે ગૂડ્સ ટ્રેન લગભગ 84 કિલોમીટર લોકો પાઈલટ/આસિસ્ટંટ લોકો પાઈલટ વિના દોડી હતી. લોકો પાઈલટ અને સ્ટેશન માસ્ટર સહિત અન્ય લોકોની કામગીરી મુદ્દે બેદરકારીની નોંધ કરી હતી. આ ગૂડ્સ ટ્રેન લોકો પાઈલટ વિના કલાકના 70થી 80 કિલોમીટરની ઝડપથી દોડી હતી. આ ટ્રેન આઠથી નવ સ્ટેશન પસાર થયા પછી રેલવેના પાટા પર રેતી અને લાકડીના અવરોધ ઊભા કર્યા પછી ઊંચી બસ્સી ખાતે રોકી શકવામાં સફળતા મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સમગ્ર ઘટનાના રિપોર્ટમાં તમામ જવાબદાર લોકોના નિવેદનો નોંધ્યા હતા. લોકો-પાઈલટ અને આસિસ્ટંટે કહ્યું હતું કે ગૂડ્સ ટ્રેનનું એન્જિન અને ત્રણ વેગનને સ્થિર રાખવા માટે હેન્ડ બ્રેક સિવાય એના ટાયર આગળ લાકડીના ટુકડા પણ રાખ્યાં હતાં, જેથી ટ્રેન સ્ટોપ રહે. પણ આમ છતાં ઊંચી બસ્સી ખાતે ટ્રેનને રોકવામાં આવી ત્યારે વેગનની હેન્ડ બ્રેક જોવા મળી નહોતી.
આ ઉપરાંત, રિપોર્ટમાં જણાવ્યું હતું કે ડ્યૂટી પરના કઠુઆ સ્ટેશન માસ્ટરે સવારે 6.05 વાગ્યાથી 7.10 વાગ્યાની સમયગાળા દરમિયાન ગૂડ્સ ટ્રેનને સેટ કરી નહોતી. રેલવેના નિયમ અનુસાર સ્ટેશન માસ્ટરને પણ તપાસ કરવાની રહે છે કે યોગ્ય રીતે ટ્રેનને સેટલ કરી છે કે નહીં. વિશેષમાં જણાવ્યું હતું કે કથુઆ જંક્શન ખાતે ગૂડ્સ ટ્રેનના 53 વેગન હતા, પણ ગાર્ડનો કોચ નહોતો.
આ ઘટનાના વિસ્તૃત રિપોર્ટમાં જણાવ્યું હતું કે સવારે 5.20 વાગ્યે કંટ્રોલ રુમે સ્ટેશન માસ્ટરને ડ્રાઈવરને ટ્રેનને જમ્મુ લઈ જવા જણાવ્યું હતું, પરંતુ ડ્રાઈવરે ના પાડી હતી, કારણ કે તેની પાસે ગાર્ડનો ડબ્બો નહોતો. સમગ્ર બનાવમાં વિસ્તૃત તપાસમાં ફિરોઝપુર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરે છ રેલવે અધિકારીને સસ્પેન્ડ કર્યાં છે અને વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગૂડ્સ ટ્રેન ઢોળાવ પર હોવાથી આગળ વધી હતી, જે સવારે છ વાગ્યાથી સવરાના 7.10 વાગ્યા સુધી ડ્રાઈવર વિના દોડી હતી. રુલ બુક પ્રમાણે ટ્રેન છોડ્યા પૂર્વે લોકો પાઈલટે સ્ટેશન માસ્ટરને લેખિતમાં નોટ આપવી પડે છે, પરંતુ એમાં કંઈ એવું થયું નહોતું.