ગોધરા કાંડ: 19 વર્ષ પછી ગુજરાત હાઈ કોર્ટે વિશ્વસનીય પુરાવાના અભાવે ત્રણને નિર્દોષ છોડ્યા | મુંબઈ સમાચાર

ગોધરા કાંડ: 19 વર્ષ પછી ગુજરાત હાઈ કોર્ટે વિશ્વસનીય પુરાવાના અભાવે ત્રણને નિર્દોષ છોડ્યા

કોર્ટે કહ્યું- પુરાવા ભરોસાપાત્ર અને કોર્ટને નિર્ણય લેવામાં મદદગાર સાબિત થાય તેવા નથી

અમદાવાદ: 2002ના ગોધરા કાંડ પછીના રમખાણોના એક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ત્રણ વ્યક્તિઓને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવ્યાના 19 વર્ષ પછી, ગુજરાત હાઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઈ કોર્ટે અવલોકન કર્યું કે તેમને આરોપીઓને દોષિત ઠેરવવા માટે વિશ્વસનીય પુરાવા નહોતા.

કોર્ટે શું કહ્યું

ન્યાયાધીશ ગીતા ગોપીની ખંડપીઠે સચિન પટેલ, અશોક પટેલ અને અશોક ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોને મંજૂરી આપી હતી. આણંદની ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા 29 મે, 2006ના રોજ આપવામાં આવેલી તેમની સજાના આદેશને પડકારવામાં આવ્યો હતો.

હાઈ કોર્ટે સોમવારે પસાર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશે પુરાવાના મૂલ્યાંકનમાં ભૂલ કરી હતી. પુરાવા ભરોસાપાત્ર અને કોર્ટને નિર્ણય લેવામાં મદદગાર સાબિત થાય તેવા નથી. ટ્રાયલ દરમિયાન આરોપીઓની ઓળખ સાબિત થઈ શકી નહોતી.

આપણ વાંચો: … તો ગોધરા કાંડ ન થયો હોત, ગુજરાત હાઈ કોર્ટે જીઆરપીના 9 જવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય ગણાવ્યો

એક અપીલકર્તાનું 2009માં મૃત્યુ

જે નવ વ્યક્તિઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો તેમાંથી, ચારને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ રમખાણો, આગચંપી, ગેરકાયદેસર સભા વગેરે માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. એક અપીલકર્તાનું ૨૦૦૯માં મૃત્યુ થયું હતું.

પ્રોસિક્યુશન દ્વારા જણાવાયું હતું કે, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે કોચને આગ ચાંપવામાં આવ્યાના એક દિવસ પછી, આણંદના એક વિસ્તારમાં એકઠા થયેલા ટોળાનો આ ત્રણ દોષિત ભાગ હતા.

આપણ વાંચો: ગોધરા કાંડ અંગે પીએમ મોદીએ પોડકાસ્ટમાં કર્યા મહત્ત્વના ખુલાસા, જાણો બીજું શું કહ્યું?

આ ટોળાએ કથિત રીતે દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું અને તેમાંથી કેટલીકને આગ ચાંપી હતી, જે બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશનું ઉલ્લંઘન હતું.

હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, ટ્રાયલ દરમિયાન, વસ્તુઓને આગ ચાંપવાના અને ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના તેમના સામાન્ય ઉદ્દેશ્યના ભાગરૂપે કરાયેલા કોઈ પણ કૃત્ય સાબિત થયા નથી.

આપણ વાંચો: ગોધરા કાંડ આધારિત ફિલ્મ The Sabarmati Report અંગે PM Modiએ શું કહ્યું?

ક્યારે બની હતી ઘટના

27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસનો S-6 કોચ સળગાવવામાં આવ્યો હતો. જેમાં 59 લોકો માર્યા ગયા હતા. આ ઘટના પછી ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button