મુંબઈ: ગત રવિવારે ઈરાનના પ્રમુખનું હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થતાં વૈશ્ર્વિક સ્તરે રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ચિંતા સપાટી પર આવવાની સાથે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત થાય તેવા આશાવાદે ગઈકાલે-સોમવારે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૪૦.૪૯ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ૧૧ વર્ષની ટોચે પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો તેમ જ આવતીકાલે મોડી સાંજે ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતાં બન્ને કિંમતી ધાતુઓમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળી હતી.
વધુમાં સ્થાનિકમાં ગઈકાલે લોકસભાની ચૂટણીનાં મતદાનનો પાંચમો તબક્કો હોવાથી સત્તાવાર ધોરણે બજાર બંધ રહેતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩૬થી ૮૩૯ની તેજી આવી હતી, જેમાં શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠરૂ. ૭૪,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૦૭૧ના ઝડપી ઉછાળા સાથે રૂ. ૯૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવ ૧૧ વર્ષની ટોચે પહોંચ્યાનાં નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજામાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૦૭૧ના તોતિંગ ઉછાળા સાથે રૂ. ૯૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૯૨,૪૪૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલો સાથે ભાવમાં તેજીનો અન્ડરટોન રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૩૬ વધીને રૂ. ૭૩,૯૨૫ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૮૩૯ના સુધારા સાથે રૂ. ૭૪,૨૨૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા સ્થાનિક ડીલરોની લેવાલી પણ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલની ઊંચી સપાટીએથી ૦.૫ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૪૧૩.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ૨૪૧૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે સોનામાં ફેડરલ દ્વારા આ વર્ષથી વ્યાજદરમાં કાપ મુકવાની શરૂઆતનો આશાવાદ તેમ જ ગત રવિવારે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થવાથી મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાની ભીતિ હેઠળ સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૪૪૦.૪૯ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હોવાનું એએનઝેડ કૉમૉડિટીઝનાં સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે ચાંદીમાં ખાસ કરીને ગ્રીન એનર્જીનાં વપરાશમાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતાં ઔદ્યોગિક માગ પ્રબળ રહેવાના આશાવાદે ચાંદીના ભાવ ઉછળીને ૧૧ મહિનાની ટોચે પહોંચ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે મોડી સાંજે જાહેર થનારી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર રોકાણકારો અને ટ્રેડરોની નજર સ્થિર થઈ છે.
Taboola Feed