
નવી દિલ્હીઃ ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે આ વર્ષ 2024 શાનદાર સાબિત થઈ રહ્યું છે. હિંડનબર્ગના આક્ષેપો બાદ ફરી તેઓ વિશ્વના ટોચના શ્રીમંતોની યાદીમાં આવી ગયા છે.
ફરી એકવાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 100 અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને 101 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીર લોકોની યાદીમાં બે સ્થાન ઉપર પહોંચી ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 22,600 કરોડ રૂપિયા અથવા 2.73 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. આ વધારા બાદ તેમની નેટવર્થ (ગૌતમ અદાણી નેટ વર્થ) પણ વધીને 101 અબજ ડોલર થઈ ગઈ છે. આ સંપત્તિ સાથે, તે હવે વિશ્વના ટોચના અબજપતિઓની યાદીમાં બે ક્રમ આગળ પહોંચ્યા છે.
રિલાયન્સના ચેરમેન અંબાણીની કુલ નેટવર્થ (મુકેશ અંબાણી નેટવર્થ) 1.1 અબજ ડોલર અથવા 9123 કરોડ રૂપિયાથી વધુના તાજેતરના ઉછાળા પછી 108 અબજ ડોલર થઈ ગઈ છે. આ જોતા ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે માત્ર 7 અબજ ડોલરનું અંતર છે, તેમ અહેવાલ જણાવે છે.
હવે વાત કરીએ દુનિયાના સૌથી અમીર લોકોની તો એલોન મસ્ક 205 બિલિયન ડોલરની નેટવર્થ સાથે લિસ્ટમાં નંબર 1 બની ગયા છે. બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ એમેઝોનના જેફ બેઝોસ છે, જેમની કુલ સંપત્તિ $196 બિલિયન છે. તે જ સમયે, ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ 186 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે.