ભાજપમાં જોડાયા ગૌરવ વલ્લભ અને અનિલ શર્મા, એક જ દિવસમાં કોંગ્રેસની ત્રણ વિકેટ પડી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રોફેસર ગૌરવ વલ્લભ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રોફેસર વલ્લભનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની બાબતને કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. પ્રોફેસર વલ્લભે કોંગ્રેસ પર દિશાવિહીન પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ હતા. તેમની સાથે બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ શર્માએ પણ ભાજપમાં જોડાઈ જવાનું મુનાસિબ માન્યું છે.
ખાસ વાત એ છે કે માત્ર બે દિવસમાં ત્રણ રાજ્યમાં કોંગ્રેસને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. એક તો રાજસ્થાનથી આવેલા વલ્લભ અને બિહાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શર્મા ભાજપમાં જોડાયા છે. તે જ સમયે પાર્ટી સાથેના તણાવ વચ્ચે મહારાષ્ટ્રના નેતા સંજય નિરૂપમે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયા છે.
પ્રોફેસર વલ્લભે જણાવ્યું હતું કે પાર્ટી જે રીતે દિશાવિહીન રીતે આગળ વધી રહી છે, તેનાથી તેઓ સહજતા અનુભવી શકતા નહોતા. તેઓ દરરોજ સવાર સાંજ સનાતન વિરોધી સૂત્રચ્ચાર કરી શકતા નહોતા. તેથી તેમણે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપી દીધું છે.
મહા વિકાસ આઘાડીના અમોલ કીર્તિકરને મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી ઉમેદવાર બનાવવા આવતા નિરૂપમ નારાજ હતા. તેઓ તેને ‘ખીચડી ચોર’ કહીને બોલાવતા હતા તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે કોંગ્રેસ આ અંગે સંજ્ઞાન લેશે. તેમણે પણ કોંગ્રેસનેદિશાહિન ગણાવી હતી અને કહ્યું હતું કે પાર્ટીમાં સંગઠનનાત્મક તાકાત રહી જ નથી. નિરૂપમે કહ્યું હતું કે, કોંગ્રેસમાં પાંચ પાવર સેન્ટર છે – સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કે સી વેણુ ગોપાલ. દરેક જણની પોતપોતાની લોબી છે અને દરેક જણ એકબીજા સાથે ટકરાતા રહે છે.