ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયોઃ વિપક્ષે સરકારની કાઢી ઝાટકણી | મુંબઈ સમાચાર

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયોઃ વિપક્ષે સરકારની કાઢી ઝાટકણી

વડોદરા: ગુજરાતના મધ્ય ભાગમાં આવેલા વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ પર બુધવારે સવારે મોટી દુર્ઘટના સર્જાય હતી. આ બ્રિજનો એક ભાગ તૂટી જતા લગભગ ચાર વાહનો પાણીમાં ગરકાવ થયા હતા.

આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને દસ થયો છે, જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી છે. મહીસાગર નદી પર બનેલા આ બ્રિજ તૂટી પડવાને કારણે વાહનો નદીમાં ખાબક્યા હતા અને ઘાયલોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટનાએ રાજ્યમાં રાજકીય વિવાદ પણ ઊભો કર્યો છે.

આપણ વાંચો: ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

પુલ તૂટવાને કારણે અનેક વાહનો નદીમાં ડૂબ્યાં

સવારે લગભગ 7:45 વાગ્યે બનેલી આ ઘટનામાં બે ટ્રક, એક પિકઅપ વાન અને અન્ય વાહનો નદીમાં ડૂબી ગયા. નદીમાં ડૂબતા 10 લોકોના મૃત્યુ થયાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. દસમા મૃતકની ઓળખ સુખભાઈ ભગવાનભાઈ વાગડિયા (32) તરીકે કરવામાં આવી છે, જેઓ પંચમહાલના રહેવાસી છે.

હાલમાં બચાવ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે, અને ફાયર બ્રિગેડ સહિતની ટીમો ઘટનાસ્થળે હાજર છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને આણંદના સાંસદ મિતેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આપણ વાંચો: દુર્ઘટના બાદ તંત્રએ વાહનોની અવરજવર માટે કરી આ વ્યવસ્થાઃ જાણો નવો રૂટ

બ્રિજની જર્જરિત હાલત પર કોંગ્રેસના ગંભીર સવાલ

તૂટી પડેલો 45 વર્ષ જૂનો હતો, જે વડોદરા, આણંદ, ભરૂચ અને અંકલેશ્વરને જોડતો મહત્વનો રસ્તો હતો. ઘટનાને કારણે આ જિલ્લાઓ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો, અને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ. દુર્ઘટનાના પગેલ વિપક્ષી નેતા અમિત ચાવડાએ બ્રિજની જર્જરિત હાલત પર સવાલ ઉઠાવ્યા છે.

આ ઉપરાંત સરકારની તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા છે હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ઈસુદાન ગઢવીએ આ ઘટનાને માનવસર્જિત દુર્ઘટના ગણાવી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે.

આપણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 9ના મોત! મૃત્યુઆંક હજી પણ વધે તેવી શક્યતા, બચાવ કાર્ય પૂરજોશમાં

ભારે વરસાદે પુલની હાલત ખરાબ કરીઃ સરકારનો બચાવ

સરકારે આ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બ્રિજનુ અગાઉ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદે તેની હાલત વધુ ખરાબ કરી. સ્થાનિક લોકોએ લાંબા સમયથી નવા બ્રિજની માંગ કરી હતી, જેનો કોઈ ઉકેલ ન આવ્યો. હાલ વહીવટ વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button