
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આકાશમાં વધુ એક કીર્તિમાન સ્થાપિત કરવા તૈયારી કરી રહ્યું છે. ઈસરો આ મહિનાના અંતમાં અવકાશયાનમાંથી અવકાશયાત્રીઓને બહાર કાઢવા માટેની સિસ્ટમ ‘ક્રુ એસ્કેપ સિસ્ટમ’નું પરીક્ષણ કરવાનું આયોજન કરી રહ્યું છે. ઈસરોએ એક્સ પર આ મિશનને સબંધિત કેટલીક તસવીરો શેર કરી છે અને તેની સાથે કહ્યું છે કે તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
ઈસરોનું આ ખૂબ જ ખાસ મિશન છે. વાસ્તવમાં, આ પરીક્ષણ અંતરિક્ષમાં માનવ મિશન મોકલવાની ભારતની મહત્વાકાંક્ષી યોજનાનો એક ભાગ છે. જો ગગનયાન મિશન સફળ થશે તો ભારત અવકાશમાં વધુ એક સિદ્ધિ નોંધાવશે.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના વરિષ્ઠ વૈજ્ઞાનીકે ક્રુ એસ્કેપ સિસ્ટમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અવકાશયાન સિસ્ટમના તમામ ભાગો શ્રી હરિકોટા પહોંચી ગયા છે. તેમને એસેમ્બલ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ ક્રૂ એસ્કેપ સિસ્ટમ સાથે, અમે ઉચ્ચ દબાણ અને ‘ટ્રાન્સોનિક સ્થિતિ’ જેવી વિવિધ પરિસ્થિતિઓનું પરીક્ષણ કરીશું.
ઈસરોના અધિકારીએ જણાવ્યું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) ગગનયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિને ટેસ્ટ વ્હીકલ ટીવી-ડી1નું પરીક્ષણ કરવામાં આવશે, જે ગગનયાન પ્રોગ્રામ હેઠળના ચાર પરીક્ષણ મિશનમાંનું એક છે, ત્યારબાદ બીજું પરીક્ષણ વાહન ટીવી-ડી2 અને પ્રથમ માનવરહિત ગગનયાન (LVM3-G1)નું પરીક્ષણ કરવામાં આવશે. કરવામાં આવશે. બીજા તબક્કા હેઠળ, રોબોટિક પેલોડ્સ સાથે પરીક્ષણ વાહન મિશન (TV-D3 અને D4) અને LVM3-G2 મોકલવાનું આયોજન છે.