બે વાર લોંચ સ્થગિત રખાયા બાદ આખરે ઈસરોએ મિશન ગગનયાનના પ્રથમ તબક્કાનું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પડ્યું છે. સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ગગનયાનના ક્રૂ મોડ્યુલ એસ્કેપ સિસ્ટમનંં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પહેલા ઈસરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ જ તેનું સફળ પ્રક્ષેપણ થઈ શક્યું હતું. આજે સવારે 10 વાગ્યે ગગનયાન મિશનના પ્રથમ તબક્કાનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. શ્રીહરિકોટાથી ઉડાન ભર્યા બાદ ગગનયાનનું ક્રૂ મોડ્યુલ બંગાળની ખાડીમાં ઉતર્યું હતું.
ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગગનયાન મિશન ટીવી-ડી1ની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો હતો.
ઈસરોના વડા એસ સોમનાથે જણાવ્યું હતું કે પહેલા અમે સવારે 8 વાગ્યે ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ ઈચ્છતા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તે 8.45 સુધી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ પણ નોમિનલ લિફ્ટ ઑફ પ્રોસેસ દરમિયાન અમને કમ્પ્યુટર દ્વારા પરીક્ષણ હોલ્ડ પર રાખવા સિગ્નલ મળ્યા હતા. જેના કારણે એન્જિનમાં ઇગ્નીશન થઇ શક્યું નહીં. આ બધું સિસ્ટમમાં મોનીટરીંગ વિસંગતતાને કારણે થયું. અમે કારણ શોધી કાઢ્યું અને તેને સુધાર્યું. આ પછી, પ્રક્ષેપણની તૈયારીઓ કરી હતી.
એસ સોમનાથે જણાવ્યું હતું કે આકાશમાં ગયા પછી ક્રૂ એસ્કેપ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. ક્રૂ મોડ્યુલ રોકેટથી અલગ થઈ ગયું. આ પછી ક્રૂ મોડ્યુલના પેરાશૂટ ખુલ્યા. તે સમુદ્રમાં સફળતા પૂર્વક ઉતર્યું. ક્રૂ મોડ્યુલને પુનઃપ્રાપ્ત કરવા માટે સમુદ્રમાં જહાજ તૈનાત હતું. અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર બધું જ પરફેક્ટ છે.
ઈસરોએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 માં કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં અવકાશયાત્રીઓને બચાવવા ક્રૂ-એસ્કેપ સિસ્ટમ ઉપયોગી થશે. જો ટેક-ઓફ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થશે, તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે વિહિકલથી અલગ થઈ જશે, થોડા સમય માટે ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર દરિયામાં ઉતરશે. તેમાં હાજર અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.
Taboola Feed