નવી દિલ્હી: વર્ષોથી ભારતમાં રહીને પત્રકારત્વ કરતા મૂળ ફ્રાન્સના પત્રકાર વેનેસા ડોગનેક(Vanessa Dougnac)એ શનિવારે જણાવ્યું કે તેઓ ભારત છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ(OCI) રદ કરવાના મામલે સરકાર દ્વારા જાહેર કરાયેલી નોટિસ હેઠળ શરૂ કરાયેલી કાયદાકીય કાર્યવાહીને કારણે તેઓ હવે વધુ રાહ જોઈ શકે એમ નથી.
ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેક એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે, હું ભારત છોડી રહી છું, તે જ દેશ જ્યાં હું 25 વર્ષ પહેલા વિદ્યાર્થી તરીકે આવી હતી, જ્યાં મેં પત્રકાર તરીકે 23 વર્ષ સુધી કામ કર્યું, અહીં લગ્ન કર્યા, મારા દીકરાને ઉછેર્યો અને જેને હું મારું ઘર કહું છું.”
ગયા મહિને, ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસે ડોગનકને એક નોટિસ મોકલીને પૂછ્યું હતું કે તેનું OCI કાર્ડ કેમ રદ ન કરવું જોઈએ. રજિસ્ટ્રેશન ઑફિસે એવો દાવો કર્યો તેઓ નાગરિકતા અધિનિયમનો ભંગ કરી રહ્યા છે.
વેનેસા ડોગનેકે કહ્યું કે ભારત છોડવું તેમની મરજી નથી પરંતુ સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. અગાઉ તેમના લેખો “દુર્ભાવનાપૂર્ણ” હોવાનો અને “ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતોને નુકસાન પહોંચાડનાર” હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વેનેસા ડૉગનેકને મળેલી નોટિસનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન પણ ઉઠ્યો હતો.