આમચી મુંબઈટોપ ન્યૂઝ

WATCH Video: Salman Khanના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ, પોલીસને આ ગેન્ગસ્ટર પર શંકા

મુંબઈ: આજે રવિવારે વહેલી સવારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan)ના નિવાસસ્થાન બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ(Galaxy Apartment) ની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ(Firing) થતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. કોઈને ઈજા થઈ હોવાની જાણકારી નથી. પોલીસે સલમાન ખાનના ઘરની બાહર સુરક્ષા વધારી દીધી છે. ઘટના બાદ મુંબઈ પોલીસ અલર્ટ થઇ ગઈ છે.

જાણકારી મુજબ વહેલી સવારે બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું હતું, જેના કારણે તેમની ઓળખ થઈ શકી નથી. તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે.

ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ અને બાંદ્રા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સલમાન ખાનના બંગલાની બહાર ગોળી કોણે ચલાવી તે હજુ તપાસનો વિષય છે. સલમાન ખાનને અગાઉં મળેલી ધમકીઓ અને આજે થયેલા ફાયરીંગ બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ ફાયરિંગ શા માટે થયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઇ રહી છે. પોલીસનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાં હોવા છતાં તેની ગેંગ બહાર છે અને ગોલ્ડી બ્રાર પણ બહાર છે. પોલીસનું માનવું છે કે આ જ ગેંગે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું હતું.

આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત ધમકી આપી ચુક્યો છે. એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેના જીવનનો ઉદ્દેશ્ય સલમાન ખાનને મારવાનો છે.

એક ઈન્ટરવ્યુંમાં લોરેન્સે કહ્યું હતું કે ‘હરણ(કાળીયાર)ને મારવા બદલ તેણે માફી માંગવી પડશે. તેણે બિકાનેરના અમારા મંદિરમાં જઈને માફી માંગવી પડશે. અત્યારે હું ગુંડો નથી, પણ સલમાન ખાનને મારીને ગુંડો બની જઈશ. મારા જીવનનો ઉદ્દેશ્ય સલમાન ખાનને મારવાનો છે. જો સુરક્ષા હટાવવામાં આવશે તો હું સલમાન ખાનને ખતમ કરી દઈશ.’

લોરેન્સ બિશ્નોઈએ કેનેડા સ્થિત એક્ટર-સિંગર ગિપ્પી ગ્રેવાલના નિવાસસ્થાન પર પણ હુમલો કરાવ્યો હતો, ત્યાર બાદ તેને કહ્યું હતું કે સલમાન ખાન સાથે ગિપ્પીના નજીકના સંબંધોને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

હાલ સલમાન ખાનને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. ગત વર્ષે પણ સલમાન ખાનની ઓફિસને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button