આખરે આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆરઃ ગંભીર આરોપો
આખરે આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆરઃ ગંભીર આરોપો

મુંબઈઃ શિવસેના (યુબીટી)ના નેતા તેમ જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. દિશાનાં પિતાએ કરેલી ફરિયાદને મુંબઈ પોલીસ કમિશનર અને મુંબઈ પોલીસ એડિશનલ કમિશનર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારાયાના અહેવાલો મળ્યા છે.
દિશાનાં પિતા સતીશ સાલિયને પોતાની દીકરીનું મૃત્યુ આત્મહત્યા નહીં, પણ હત્યા હોવાની ફરિયાદ કરી હતી. આ સાથે તેની સાથે બળાત્કાર થયો હોવાનું એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે. દિશાનાં પિતાની ફરિયાદમાં મુખ્ય આરોપી આદિત્ય ઠાકરે છે અને આ સાથે અભિનેતા ડિનો મોરિયો અને આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ પંચોલી પણ છે.
આદિત્ય સામે એવો આરોપ પણ થયો છે કે તે ડ્રગ્સની તસ્કરી કરતો હોવાનું એનસીબીના અહેવાલમાં પણ પુરવાર થયું છે.
શું છે ઘટના
કોરાનાકાળ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકાર હતી. 8મી જૂન 2020ના રોજ દિશા સાલિયન નામની મહિલાનું મલાડ ખાતે ઈમારતના 14માં માળેથી પટકાઈ મૃત્યુ થયું હતું. દિશા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર રહી ચૂકી હતી અને તેનાં મૃત્યુના 8 દિવસ બાદ સુશાંત તેના નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળ્યો હતો.
તે સમયે દિશાએ આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું હતું. દિશાના પિતાએ હવે હાઈ કોર્ટમાં પણ અરજી કરી દીકરીના મૃત્યુની નવેસરથી સીબીઆઈ તપાસ કરવાની માગણી કરી છે. તેમની ફરિયાદમાં નવ આરોપીના નામ છે. જેમાં આદિત્ય, દિનો મોરિયો, સૂરજ પંચોલી ઉપરાંત તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ. ડિસમિસ કરેલા પોલીસ અધિકારી સિચન વાઝે, પંચોલીનો બોડી ગાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
દિશા અને સુશાંતના મૃત્યુની ઘટનાઓએ તે સમય ભારે ઉહાપોહ જગાવ્યો હતો અને રાજકીય ધમાસાણ મચ્યું હતું. પરમબીરે આખો મામલો કવર કર્યાનો તેમના પર આરોપ કરવામાં આવ્યો છે.
એક થિયરી પ્રમાણે દિશા પર આદિત્ય, મોરિયો અને પંચોલીએ બળાત્કાર કર્યો હતો અને તેની જાણ દિશાએ સુશાંતને કરી હતી. દિશાને કથિત રીતે ફેંકી દેવામાં આવી હતી. આ મામલે સુશાંતે કથિત આરોપીઓ સાથે વાત કરી હોવાથી તેને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધીની તપાસમાં દિશા અને સુશાંતની હત્યાના કોઈ પુરાવા ન હોવાના અને તે આત્મહત્યા હોવાના જ તારણો વિવિધ એજન્સીએ આપ્યા છે. આ સાથે સુશાંતના કેસમાં 27 દિવસ જેલમાં રહેનારી રિયા ચક્રવર્તીને પણ ક્લિનચીટ મળી ગઈ છે.
જોકે હવે ફરી એઆઈઆર દાખલ થતાં આ કેસમાં રોજ ચોંકાવનારી ખબરો આવવાની શક્યતા છે. વળી સત્તા પરિવર્તન થયું હોવાથી આ કેસ રાજકીય રંગે રંગાશે તે વાત પણ ચોક્કસ છે.
આ પણ વાંચો…કુણાલ કામરાને સતત ધમકીભર્યા કોલ મળી રહ્યા છે; કામરાએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો