Farmers Protest: છઠ્ઠી માર્ચે ‘દિલ્હી ચલો’ અને દસમી માર્ચે ‘ટ્રેન રોકો’ આંદોલનની જાહેરાત
નવી દિલ્હી: ખેડૂતોએ પોતાના દિલ્હી ચલો કૂચ અંગે નવી આક્રમક જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનના નેતાઓએ દેશભરમાં ખેડૂતોને છઠ્ઠી માર્ચે દિલ્હી પહોંચવાની અપીલ કરી છે. ખેડૂત નેતાઓએ દસમી માર્ચના ટ્રેન રોકો આંદોલનની જાહેરાત કરી છે.
દેશના ખાસ કરીને પંજાબના ખેડૂતોએ પાકના લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા સહિતની વિવિધ માગણીને લઇને દેશની રાજધાનીમાં મંગળવાર છઠ્ઠી માર્ચે ધામા નાખવાની દસમી માર્ચે ટ્રેનો અટકાવવાની અને 14 માર્ચે કિસાન મહાપંચાયત યોજવાની જાહેરાત કરી હતી.
ખેડૂતોના નેતા જગજિતસિંહ ડલ્લેવાલે જણાવ્યું હતું કે ખેડૂતો ટ્રેન, બસ અને વિમાનથી દિલ્હી પહોંચશે અને રાજધાનીમાં મોટી સંખ્યામાં ભેગા થશે. કિસાનોનું આ આંદોલન હવે માત્ર પંજાબના ખેડૂતો સુધી સીમિત નથી રહ્યું, પરંતુ દેશભરના ખેડૂતોની ચળવળ બની ગઇ છે.
તેમણે દાવો કર્યો હતો કે ખેડૂતો 10 માર્ચે બપોરે 12થી 4 વાગ્યા સુધી વિવિધ સ્થળે ટ્રેનો અટકાવશે. દિલ્હીમાં 14 માર્ચે યોજાનારી કિસાન મહાપંચાયતમાં આશરે 400થી વધુ ખેડૂત સંગઠન જોડાશે.
અગાઉ, ખેડૂતોના આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં એક યુવાન કિસાનનું મૃત્યુ થયું હતું. પંજાબથી ટ્રેક્ટર, બસ અને અન્ય વાહનો લઇને દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણાની સરહદ પર જ અટકાવાયા હતા. ખેડૂતોએ પથ્થરમારો કરતા અને પોલીસે ગોઠવેલા બેરિકેડ્સ તોડવામાં આવતા હિંસા શરૂ થઇ હતી. પોલીસે તોફાનીઓને વિખેરવા માટે લાઠીમાર કર્યો હતો અને અશ્રુવાયુ છોડ્યો હતો.
કેન્દ્રના પ્રધાનો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની વચ્ચે ઓછામાં ઓછી ચાર વખત મંત્રણા થઇ હતી, પરંતુ કિસાનોની બધી માગણી નહિ સંતોષાતા ખેડૂતોએ ફરી રાજધાનીમાં મોટી સંખ્યામાં ભેગા થવાનો નિર્ણય લીધો હતો.
અમુક લોકો ખેડૂતોના આ આંદોલનને કેટલાક રાજકીય પક્ષો દ્વારા ચલાવાતું કેન્દ્ર સરકાર-વિરોધી ષડ્યંત્ર પણ ગણાવી રહ્યા છે. થોડા મહિના પહેલાં ખેડૂતોના હિંસક આંદોલનને લીધે કેન્દ્ર સરકારને કૃષિ ક્ષેત્રના ત્રણ કાયદા પાછા ખેંચવાની ફરજ પડી હતી.