ટોપ ન્યૂઝ

શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોના તંબુઓ પર બુલડોઝર ચાલ્યું, પંજાબ પોલીસની કાર્યવાહી…

નવી દિલ્હી: છેલ્લા 13 મહિનાથી હજારો ખેડૂતો પાકની MSP સહિત અનેક માંગણીઓ સાથે પંજાબની હરિયાણાને લગતી શંભુ અને ખાનૌરી બોર્ડર (Shambhu and Khanauri Border) પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં. પંજાબ પોલીસે કાર્યવાહી કરીને ખેડૂતોને હટાવી દીધા છે. પોલીસે ખેડૂતોના તંબુઓ પર બુલડોઝર ચલાવી દીધું છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ના બને એ માટે, લગભગ 3,000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કેપ્સ્યુલ આગના ગોળામાં ફેરવાઈ ગયું છતાં અવકાશયાત્રીઓ સુરક્ષિત; આ મટીરીયલથી બને છે ડ્રેગન કેપ્સ્યુલ

ગઈ કાલે સવારે મોહાલીમાં સરવન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલેવાલ સહિત ખેડૂત નેતાઓએ કેન્દ્રીય પ્રતિનિધિમંડળ સાથેની બેઠક કરી હતી, ત્યાર બાદ પરત ફરી રહેલા ખેડૂત નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરી કરી રહેલા ખેડૂતો ગયા વર્ષે 13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ (શંભુ-અંબાલા) અને ખાનૌરી (સાંગરુર-જીંદ) સરહદો પર મોરચો જમાવીને બેઠાં હતાં, કેમ કે તેમને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા હતા.

પંજાબ પોલીસની કાર્યવાહી:
શંભુ બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાતમા આવ્યો છે. પોલીસે બુલડોઝરથી કિસાન મજદૂર મોરચાના કાર્યાલય અને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા પાક્કા બેરિકેડ તોડી પાડ્યા છે. ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલું સ્ટેજને તોડી પાડવામાં આવ્યું છે. ખેડૂતોને શંભુ બોર્ડર પરથી દૂર કરવામાં આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શનની વ્યવસ્થા તોડી પાડવામાં આવી છે.

પંજાબ પોલીસે શું કહ્યું?
પંજાબ પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 40 થી 50 ખેડૂતોએ આત્મસમર્પણ કર્યું છે. જો કોઈ ખેડૂત ધરપકડ ઈચ્છે છે, તો તેની ધરપકડ કરવામાં આવશે, જો કોઈ છોડવાની માંગ કરે છે, તો તેને છોડી દેવામાં આવશે. એવું નથી કે અમે તેમને બંધક બનાવી લીધા છે.

પંજાબ પોલીસે કહ્યું એ કે પંજાબ તરફથી રસ્તો સાફ થયા પછી, હવે હરિયાણા સરકાર નક્કી કરશે કે તે ક્યારે અવરોધો ક્યારે હટાવશે. જ્યારે હરિયાણા દ્વારા તેને દૂર કરવામાં આવશે, ત્યારે હાઈવે ખુલ્લો કરવામાં આવશે.

ખેડૂતો હાર નહીં માને:
પોલીસની કાર્યવાહી અંગે ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું છે કે તમે અમને માર્યા વિના અહીંથી મોરચો ખાલી નહીં કરાવી શકો. અમે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને કહેવા માંગીએ છીએ કે તેઓ અહીં એક-એક ટ્રોલી લઇને અહીં આવે. છેલ્લા શ્વાસ સુધી લડીશું. સરકાર મોટી છે, પણ તે જનતાથી મોટી ન હોઈ શકે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે ભગવંત માન સરકારે અમારી સાથે દગો કર્યો છે, તેથી અમે ટોલ પ્લાઝા પર વિરોધ કરી રહ્યા છીએ, પરંતુ સરકાર ગુંડાગીરી કરી રહી છે. પંજાબ સરકાર ઇચ્છે છે કે ડલ્લેવાલનું મોત થઇ જાય. હવે કાલથી ખેડૂતો વધુ આક્રમક રીતે વિરોધ કરશે. અમે સંઘર્ષ કરી રહ્યા છીએ જેથી ભવિષ્યની પેઢીઓ અમારા પર ગર્વ કરી શકે.

પંજાબ સરકારનું નિવેદન:
પંજાબના નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ ખેડૂતોને પ્રદર્શન સ્થળો પરથી દૂર કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે રાજ્ય માટે જીવનરેખા જેવા બંને હાઇવે લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે ઉદ્યોગ અને વ્યવસાય પર ખરાબ અસર પડી છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન-ઝેલેન્સ્કી આ પાંચ શરતો માનશે તો સ્થપાશે શાંતિ…

ભાજપે AAPને ઘેરી:
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ ખેડૂત નેતાઓની અટકાયતની સખત નિંદા કરી અને આરોપ લગાવ્યો કે પંજાબની AAP સરકાર કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેની વાતચીતને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button