
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં આજે રવિવારે બપોરે ફટાકડા બનવાતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં આઠ શ્રમિકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનાકાપલ્લીના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબર, તમામ મૃતકો અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરાતલા મંડલના કૈલાસપટ્ટનમમાં ફટાકડા ઉત્પાદન પ્લાન્ટમાં કામ કરતા (Blast in fire cracker factory in Anakapalli) શ્રમિકો હતાં.
અનાકાપલ્લી જિલ્લા પોલીસના પ્રારંભિક અહેવાલો મુજબ, વિસ્ફોટ બપોરે 12.45 વાગ્યે થયો હતો. ફટાકડાની આ ફેક્ટરી ગામની બહારથી લગભગ બે કિલોમીટર દૂર આવેલી છે. વિસ્ફોટનો અવાજ સાંભળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનું શરૂ કર્યું હતું. જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ, ઇમરજન્સી સર્વિસ, ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. ફાયર બ્રિગેડના જવાનો આગ બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: બે જણનાં મોત
વિસ્ફોટ સ્થળે મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યા હતા. વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ જિલ્લા વહીવટીતંત્રના પ્રારંભિક અહેવાલ મુજબ રવિવાર હોવાથી ફટાકડાના યુનિટમાં લગભગ 15 શ્રમિકો હતા.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડિસામાં પણ આવી જ એક ઘટના બની હતી. ડીસામાં એક ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં વિસ્ફોટમાં થતા 22 શ્રમિકો માર્યા ગયા હતાં.