કેરળના એર્નાકુલમમાં આજે રવિવારે સવારે એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
કલમસેરી પોલીસના જણાવ્યા અનુસાર, લોકો સંમેલન કેન્દ્રમાં પ્રાર્થના સભા માટે એકઠા થયા હતા ત્યારે વિસ્ફોટ થયો. પોલીસના જણાવ્યા અનુસાર પહેલો બ્લાસ્ટ સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યારપછીની થોડી મિનિટોમાં એક પછી એક ત્રણ-ચાર વિસ્ફોટ થયા હતા.
માહિતી મુજબ કે આ ત્રણ દિવસીય પ્રાર્થના સભાનો રવિવાર છેલ્લો દિવસ હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે વિસ્ફોટ થયા ત્યારે પ્રાર્થના સભામાં લગભગ બે હજાર લોકો એકઠા થયા હતા. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જ કેએ કહ્યું કે તેમણે કલામાસેરી બ્લાસ્ટને લઈને તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે. તેમજ રજા પર ગયેલા તમામ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના અંગે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેમણે આ વિસ્ફોટ અંગે માહિતી મેળવી છે. મુખ્ય પ્રધાને તેમને પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. અમિત શાહે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
પોલીસ ઘટના સ્થળે હાજર છે. NIAની ટીમ પણ ઘટનાસ્થળ પહોંચવા રવાના થઈ ગઈ છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આતંકવાદી ઘટના હોવાની શંકા સેવાઈ રહી છે.