
નવી દિલ્હી: ‘કેસ ફોર ધ ક્વેરી’ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની સંડોવણી અંગે એથિક્સ કમિટિનો રિપોર્ટ આજે શુક્રવારે નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદના સૂત્રોએ આ માહિતી આપી. અગાઉ આ અહેવાલ 4 ડિસેમ્બરે લોકસભામાં રજૂ થનાર ગૃહના કાર્યસૂચિમાં સૂચિબદ્ધ હતો. કેટલાક વિપક્ષી સભ્યોએ ભાર મૂક્યો છે કે મહુઆ મોઇત્રાની સદસ્યતા રદ કરવા અંગે નિર્ણય લેવામાં આવે તે પહેલાં સમિતિની ભલામણો પર ગૃહમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ.
બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “જો અહેવાલ રજૂ કરવામાં આવશે, તો અમે વિગતવાર ચર્ચા કરવાનો આગ્રહ રાખીશું. અહેવાલનો મુસદ્દો માત્ર અઢી મિનિટમાં સ્વીકારવામાં આવ્યો હતો.” ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરેની અધ્યક્ષતા હેઠળ 9 નવેમ્બરની એક બેઠકમાં ‘પૈસા લઈને ગૃહમાં પ્રશ્નો પૂછવાના’ આરોપમાં મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની ભલામણ કરતો અહેવાલ સ્વીકાર્યો હતો.
સમિતિના છ સભ્યોએ રિપોર્ટની તરફેણમાં મતદાન કર્યું હતું, જેમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ પ્રનીત કૌરનો પણ સમાવેશ થાય છે. સમિતિના ચાર વિપક્ષી સભ્યોએ અહેવાલ પર અસંમતિ દર્શાવી હતી. વિપક્ષી સભ્યોએ અહેવાલને ‘ફિક્સ્ડ મેચ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદના સમર્થનમાં ‘પુરાવાનો એક ટુકડો’ પણ નથી જે સમિતિ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી.