આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી થવાની સંભાવના: CM Eknath Shinde

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે અને સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને આગામી 8થી 10 દિવસમાં અંતિમ રૂપ આપવામાં આવશે.

288-સભ્યોની રાજ્ય વિધાનસભા માટે બે તબક્કાનું મતદાન વધુ સારું રહેશે એમ શિંદેએ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મીડિયા સાથેની અનૌપચારિક ચર્ચામાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: એકનાથ શિંદેના ગુરુના ફોટો સામે ઉડાવાયા પૈસાઃ બે પદાધિકારી સામે કાર્યવાહી

શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીની બનેલી મહાયુતિ સરકાર વિકાસ અને કલ્યાણના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને લોકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

નવેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી થવાની સંભાવના છે. બે તબક્કાની ચૂંટણી વધુ યોગ્ય બની રહેશે. મેરિટ અને સારો સ્ટ્રાઈક રેટ મહાયુતિના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે માપદંડ હશે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
બેઠકોની વહેંચણી આગામી 8થી 10 દિવસમાં નક્કી કરી નાખવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: election અમને મોટો જનાદેશ આપો, અમે ‘લાડકી બહિણ’ની રકમ બમણી કરશું: એકનાથ શિંદે…

શિંદેએ કહ્યું હતું કે તેઓ મહિલાઓમાં સરકારને સમર્થન જોઈ શકે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે સામાન્ય માણસની સરકાર છે.

અમે વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન સાધ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ નોકરીઓ માટે 1.5 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે જેના માટે તેમને રૂ. 6,000 થી રૂ. 10,000 સુધીનું સ્ટાઇપેન્ડ મળશે. 10 લાખ યુવાનોને આવરી લેવાનું લક્ષ્ય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકારની લાડકી બહેન યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.6 કરોડ મહિલાઓને આર્થિક સહાય મળી છે અને અમે 2.5 કરોડ મહિલાઓ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.

હાલમાં સરકારની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળ મહિલા લાભાર્થીઓને દર મહિને રૂ. 1,500 આપવામાં આવે છે.

શિંદેએ એમ પણ કહ્યું હતું કે તેમની સરકારનો હેતુ મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા અને બધા માટે પરવડી શકે તેવા આવાસ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા), સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર (સિડકો) અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) જેવી તમામ સરકારી એજન્સીઓને ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ માટે જોડવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button