ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે
સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરિફ વિજયી
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:ગુજરાતની 25 બેઠકો કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આજે સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનાં અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયુ હતું. જ્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે કોઈ ઉમેદવાર હરિફ ન રહેતા તેમને બિન હરિફ વિજયી જાહેર કરવામાં આવ્યાં હતાં.
ગુજરાતનાં મુખ્ય ચુંટણી નિર્વાચન અધિકારી કચેરી ની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં અનુક્રમે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.
તા.20 તથા તા.21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે.
આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
સ્ક્રુટીની બાદ આજે સોમવારે આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23-બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 26-વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
જ્યારે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી આઠ જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેતાં આ બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.