નવી દિલ્હી: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી નજીક છે, એ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ને મોટી સફળતા મળી હતી. ઇડીએ રાજ્યમાંથી 4.92 કરોડ રોકડ રૂપિયા જપ્ત કર્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ આ રકમ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના પ્રમોટર દ્વારા ચૂંટણીમાં એક પક્ષને મદદ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. રૂપિયા યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)થી મોકલવામાં આવ્યા હતા. આ રૂપિયા છત્તીસગઢની ચૂંટણીમાં પ્રચાર માટે વપરાવવાના હતા.
ઇડીએ નિવેદનમાં જણાવ્યું હતું કે રાયપુરની એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક કારમાંથી 3.12 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે ભિલાઈના એક ઘરમાંથી યુએઈથી મોકલવામાં આવેલ 1.8 કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. તપાસ એજન્સીને મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતાઓની માહિતી પણ મળી છે. આ ખાતાઓમાં 10 કરોડ રૂપિયા જમા છે.
સુત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા આ પૈસાની ડિલિવરીમાં કેટલાક સરકારી કર્મચારીઓની ભૂમિકા પણ હોઈ શકે છે. તેમની ઓળખ કરવામાં આવી છે. ટૂંક સમયમાં કાર્યવાહી પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મહાદેવ બેટિંગ એપ મોટો મુદ્દો બની ગઈ છે. ભાજપનો આરોપ છે કે આ સમગ્ર ઘટનાને ભૂપેશ બાઘેલની સરકારની દેખરેખ અંજામ આપવામાં આવ્યો હતો. મહાદેવ બેટિંગ એપ કૌભાંડ અંગે મુખ્ય પ્રધાન બાઘેલે કહ્યું હતું કે, આ અમારી જ સરકાર હતી જેણે 450 થી વધુ લોકોની ધરપકડ કરી અને તેમના લેપટોપ, ગેજેટ્સ વગેરે જપ્ત કર્યા.
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ તેને ગેમિંગ એપ ગણાવી રહ્યા છે પરંતુ તપાસ એજન્સીની તપાસ મુજબ આ એપ દ્વારા સટ્ટાબાજી કરાવામાં આવી રહી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ઘણા પ્રભાવશાળી લોકોએ આમાં પોતાના પૈસા લગાવ્યા હતા. આ એપમાં અંડરવર્લ્ડના પૈસા સામેલ હોવાની પણ આશંકા છે.