ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ! રેલીમાંથી નકલી પ્રેસ કાર્ડ અને બંદૂક સાથે શખ્સની ધરપકડ

કેલિફોર્નિયા: યુએસમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નજીક આવી રહી છે, એ પહેલા ઘણી ગંભીર ધટનાઓ બની રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની હત્યાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેલિફોર્નિયા(California)માં ટ્રમ્પની રેલી દરમિયાન એક શખ્સ રેલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે જાણ થઇ કે તેની કાર રજીસ્ટર્ડ નથી. જ્યારે પોલીસે તેની કારની તલાશી લીધી ત્યારે તેમાંથી નકલી પ્રેસ કાર્ડ, નકલી પાસપોર્ટ અને એક બંદૂક મળી આવી હતી. આરોપીની ઓળખ 49 વર્ષીય મિલર તરીકે થઈ છે. આ પહેલા પણ ટ્રમ્પ પર બે વખત હત્યાના પ્રયાસ થઈ ચૂક્યા છે.
રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ઓફિસે રવિવારે આ અંગે માહિતી આપી હતી. ઓફિસે જણાવ્યું કે કેલિફોર્નિયાના કોચેલ્લામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત શેરિફના ડેપ્યુટીઓએ એક શૉટગન અને લોડેડ હેન્ડગન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી ઘણી નકલી લાઇસન્સ પ્લેટ પણ મળી આવી છે. એવી શંકા છે કે આ વ્યક્તિ ટ્રમ્પની હત્યા કરવાના ઈરાદાથી રેલીમાં આવ્યો હતો.
રિવરસાઇડ કાઉન્ટી શેરિફ ચાડ બિયાનકોએ જણાવ્યું હતું કે હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આરોપી વેમ મિલર લાસ વેગાસનો રહેવાસી છે. એક રિપોર્ટ મુજબ છે કે મિલર રજિસ્ટર્ડ રિપબ્લિકન છે. તે 2022માં નેવાડામાં રાજ્યથી સ્થાનિક ચૂંટણી પણ લડી ચુક્યો છે. પોલીસ અગાઉ ઘણા કેસમાં તેની ધરપકડ કરી ચૂકી છે. તાજેતરમાં જ તે $5000ના જામીન પર જેલ માંથી બહાર આવ્યો હતો.
અગાઉ બે વાર ટ્રમ્પ પર હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે. 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન એક શખ્સે ટ્રમ્પને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગોળી ટ્રમ્પના જમણા કાનને અડીને નીકળી ગઈ હતી.
આ પછી, ટ્રમ્પ પર હુમલો કરવાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. ગયા મહિને ટ્રમ્પ ગોલ્ફ રમતા હતા ત્યારે તેમનાથી થોડે દૂર સિક્રેટ સર્વિસ એજન્ટોએ AK રાઈફલનો એક ભાગ લગભગ 400 યાર્ડ દૂર ઝાડીઓની બહાર આવતો જોયો. એક એજન્ટે ગોળીબાર કર્યો, ત્યારબાદ આરોપી રાઈફલ છોડી એસયુવી કારમાં ભાગી ગયો. આરોપીને પડોશી કાઉન્ટીમાં પોલીસે પકડી પાડ્યો.
ત્યારથી, સાવચેતીના ભાગ રૂપે, ટ્રમ્પ ચૂંટણી પ્રચાર દરમિયાન બુલેટ પ્રૂફ કાચની પાછળથી તેમની રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.