ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં દેવાયત ખવડ સહિત 6 જણ પકડાયાઃ કાર પણ જપ્ત…
તાલાલા દેવાયત ખવડને કોને આશરો આપ્યો હતો તેની પણ પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર: ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવમાં ચર્ચામાં આવેલા જાણીતા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મહાઉસથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી હતી.
મળતી વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બાકુલા ધણેજ-ચિત્રોડ નજીક અમદાવાદના ધ્રુવરાજસિંહ પર જીવલેણ હુમલાના આરોપી જાણીતા દેવાયત ખવડની પોલીસે મુળી તાલુકાના દુધઈ નજીકના એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી. પોલીસે દેવાયત ખવડ સહિત અન્ય છ આરોપી તેમ જ સ્કોર્પિયો કારનો પણ કબજો લીધો છે.
જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ નજીક અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહની કારને ટક્કર માર્યા બાદ કારમાંથી દેવાયત ખવડ સહિત ૧૨થી ૧૫ જેટલા શખસોએ પાઇપ, ધોકા વડે ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હોવાનો આરોપ છે.
ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવમાં દેવાયત ખવડ અને અન્ય 15 લોકોને ઝડપી પાડવા પોલીસની પાંચ ટીમો કામે લાગી હતી. આ માટે પોલીસે અનેક સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. તાલાલાની અંદર છેલ્લા 48 કલાકમાં દેવાયત ખવડને કોને આશરો આપ્યો હતો તે અંગેની તપાસ પણ પોલીસે આદરી હતી.
બનાવની વિસ્તારપૂર્વક જાણીએ તો ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ અને હુમલાનો ભોગ બનનાર તરત જ ઓળખી ગયા હતા. ગીર સોમનાથના ડીવાયએસપી વી. આર. ખેંગારે જણાવ્યું હતું કે દેવાયત ખવડ અને અન્ય શખસોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો.
દેવાયત ખવડ અને અન્ય શખસોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયા હતા. પોલીસ દ્વારા દેવાયત ખાવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ હતી. હાલ નાસી ગયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ કેસની તપાસ તાલાલા પીઆઈને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો…ગીર સોમનાથમાં દેવાયત ખવડની બબાલ મુદ્દે શું થયો મોટો ખુલાસો?