નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક નવીન પ્રકારની અરજી દાખલ કરી છે.જેમાં તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવા રોક લગાવવાની માંગ કરી છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ આજે સવારે કેસની સુનાવણી કરશે. એક્સાઇઝ કેસમાં EDએ અત્યાર સુધીમાં તેમને નવ સમન્સ પાઠવ્યા છે. ગઈ કાલે દિલ્હી હાઈકોર્ટમાં તેમના કેસની સુનાવણી દરમિયાન તેમના વકીલોએ કહ્યું કે તેમને ડર છે કે ED તેમની ધરપકડ કરશે અને જો તેમને સુરક્ષા આપવામાં આવે તો તેઓ હાજર થવા તૈયાર છે.
હાઈકોર્ટે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસના સંબંધમાં તેમને જારી કરાયેલા સમન્સને પડકારતી અરજી પર જવાબ માંગ્યો હતો. ત્યારે, સુનાવણી દરમિયાન, કોર્ટે કેજરીવાલના વકીલ, વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે, મુખ્યમંત્રી પૂછપરછ માટે એજન્સી સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા?
સિંઘવીએ જવાબ આપ્યો કે તેને આશંકા છે કે ED તેની ધરપકડ કરી લેશે અને જો તેને સુરક્ષા આપવામાં આવે તો મુખ્યપ્રધાન હાજર થવા માટે તૈયાર છે. ખંડપીઠે પૂછ્યું કે તમે દેશના નાગરિક છો, સમન્સ માત્ર નામ માટે છે. તમે શા માટે હજાર નથી થતાં? ખંડપીઠે સિનિયર વકીલને પૂછ્યું ઇડી દ્વારા સામાન્ય પ્રથા શુ છે? અને શું પહેલા સમન્સ પર લોકોની ધરપકડ કરી લે છે?
સિંઘવીએ કહ્યું કે AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ એજન્સી દ્વારા આવી જ રીતે ધરપકડ કરવામાં આવી હતી. આ નવી શૈલી છે. દરમિયાન, એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ ED તરફથી હાજર થઈને કહ્યું હતું કે અરજી મેન્ટેનેબલ નથી.