ચેન્નાઈ: મીગ્જોમ વાવાઝોડાને કારણે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાને કારણે રાજ્યને ભારે નુકશાન પહોંચ્યું છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર પાસેથી તાત્કાલિક રૂ. 5,060 કરોડની સહાયની માંગ કરી છે. તેમજ કેન્દ્રીય ટીમ મોકલવા વિનંતી કરી હતી.
માડીપક્કમ વિસ્તારમાં ડ્રોન ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ચેન્નાઈ જવા રવાના થયા છે. તેઓ તમિલનાડુના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ સર્વેક્ષણ કરશે. રાજ્ય સરકાર સાથે પણ સ્થિતિની સમીક્ષા કરશે.
વાવાઝોડું મીગ્જોંમ હવે નબળું પડી ગયું છે. મંગળવારે આંધ્રપ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે અથડાતા પહેલા, તેણે ચેન્નાઈ સહિત તમિલનાડુના ચાર જિલ્લામાં મોટાપાયે વિનાશ વેર્યો હતો. ગુરુવારે શાળા અને કોલેજો પણ બંધ રહી હતી અને શાળાઓમાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી.
Taboola Feed