અમદાવાદટોપ ન્યૂઝ

વટવા ખાતે બુલેટ ટ્રેનના કામકાજ દરમિયાન મહાકાય ક્રેન ખાબકતા બે ઘાયલઃ રેલવ્યવહાર ખોરવાયો…

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં વટવા ખાતે બુલેટ ટ્રેનના કામકાજ વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું હતું અને દરમિયાન સ્લેબ અને મહાકાય ક્રેન પડતા થોડીવાર માટે દોડભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે જાનહાનિ ન હતી સર્જાઈ, પણ બે જણ ઘાયલ થતા તેમને હૉસ્પિટલે ખસેડવામાં આવ્યાની માહિતી મળી છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

આ પણ વાંચો…મુંબઈ આવતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદઃ જાણો કારણ…



રોપડા બ્રિજ નજીક એકાએક ક્રેન ધસી પડી
હાલમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોર પર 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેનના રુટ પર ચાલતા કામકાજમાં અમદાવાદમાં વટવા ખાતે એક મહાકાય ક્રેન પડી હતી. વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી અને જોરદાર અવાજ થયો હતો, જેથી અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો અને થોડીવાર માટે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.



દુર્ઘટનામાં બે લોકો ઘાયલ રેલ વ્યવહારને અસર
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી તરફ રેલવેની હાઈ ટેન્શન લાઈનને પણ અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે જેથી રેલવે વિભાગ સાથે આ મામલે નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા સંપર્ક કરીને કામગીરી કરવામાં આવી રહી છે. વટવા સ્ટેશન ખાતે થયેલા આ અક્સમાતને લીધે રેલવેના પ્રવાસીઓ રઝળી પડ્યા છે. મોટાભાગની ટ્રેન મોડી પડી છે તો બીજી બાજુ મુંબઈ જતી ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે, અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો…આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની કેમ પસંદગી કરી?

ક્રેનને હટાવવા શું કરવું
સ્વાભાવિક છે કે બુલેટ ટ્રેનના ટ્રેકનું કામ બહુ મોટો પ્રોજેક્ટ હોવાથી મશીનો પણ એઠલા જ મહાકાય હોય છે આ સાથે સેંકડો મજૂરો પણ કામ કરતા હોય છે. કોઈ અન્ય મશીન ખોટકાઈ કે અટવાય જાય તો ક્રેનની મદદથી તેને હટાવી શકાય, પરંતુ આવડી મોટી ક્રેન હટાવવી કઈ રીતે તે એક મોટો સવાલ છે. જોકે અહીં તાબડતોબ કામ ચાલુ કરી દેવામા આવ્યું છે, પરંતુ તેને સમય લાગી શકે તેમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button