Big Breaking: આખરે ઓળખાયો પ્લેનમાં બોમ્બની અફવાઓ ફેલાવનારો, લેખક નીકળ્યો બોલો
મુંબઈઃ અલગ અલગ શહેરોથી જતા આવતા પ્લેનમાં બોમ્બ હોવાની અફવાઓએ છેલ્લા એકાદ મહિનાથી એવિયેશન ડિપાર્ટમેન્ટ અને એરલાઈન્સ કંપનીઓની ઊંઘ હરામ કરી નાખી હતી અને આખું ટાઈમટેબલ વેરવિખેર કરી નાખ્યું હતું. આ સાથે શહેરોની પોલીસને દોડતી કરી નાખી હતી ત્યારે આખરે મહારાષ્ટ્ર પોલીસને આવા ઈ-મેલ કરનારો મળી ગયો છે. જોકે તેની ઓળખાણ થઈ છે, પરંતુ તે ફરાર હોવાથી તેની અટક કરવાની બાકી છે.
આ રીતે તમામને કામે લગાડનાર વ્યક્તિનું નામ જગદીશ ઉકાઈ હોવાનું બહાર આવ્યું છે ત્યારે નવાઈની વાત તો એ છે કે તે એક લેખક છે અને તેણે આતંકવાદ પર પુસ્તક પણ લખ્યું છે. એક કેસમાં તે 2021માં અરેસ્ટ થયો હોવાનું પણ જાણવા મળે છે. ડેપ્યુટી કમિશનર (ડીસીપી) શ્વેતા ખડેકરે આ ઑપરેશન પાર પાડ્યું હતું અને 35 વર્ષના જગદીશના ઈ-મેલમાંથી મેલ આવતા હોવાનું જણાવ્યું હતું.
જગદીશે રેલવે, એવિયેશન, સીએમ, ડીસીએમ સૌને ઈ-મેલ કરી બોમ્બ ધમાકાની શક્યતાઓ જણાવી હતી. આ સાથે પોતે આ મામલે ઘણી માહિતી ધરાવે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રૂબરૂ મળી જણાવશે, તેમ તેણે કહ્યું હતું. તેના ઈ મેલ્સ બાદ દેવેન્દ્ર ફડણવીસના નાગપુર અને મુંબઈ ખાતેના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોતાના ઈમેલ ટ્રેસ થતાં હોવાનું જણાતા જગદીશ નાસતો ફરી રહ્યો હોવાની માહિતી મળી છે.
માત્ર 13 દિવસમાં 300 જેટલી ધમકી પ્લેન ઉડાડી દેવાની મળી હતી, જે સોશિયલ મીડિયાના માધ્યમથી હોવાનું સરકારે જણાવ્યું હતું. હવે આ તમામ ધમકીઓમાં જગદીશનો હાથ કેટલો અને તેણે આવી ધમકીઓ શા માટે આપી તે જાણવા પોલીસ તેના સુધી પહોંચવાની તમામ કોશિશ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.