નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતના ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને મળેલા દાનની વિગતો જાહેર કરી છે. જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સૌથી વધુ દાન આપનારી ટોચની 30 કંપનીઓમાંથી લગભગ અડધી કંપનીઓ પર ED, IT અને CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ દરોડા પડ્યા હતા. જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર એજન્સીઓનો ઉપયોગ કંપનીઓને ડરાવીને દાન આપવા મજબૂર કરે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ આરોપો નકારી કાઢ્યા છે.
નિર્મલા સીતારમણે ચૂંટણી દાન અને તપાસ એજન્સીઓ દ્વારા દરોડા વચ્ચેના જોડાણને માત્ર કલ્પના ગણાવી હતી. શુક્રવારે એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં હાજરી આપતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે તપાસ એજન્સીના દરોડા અને ઈલેક્ટોરલ બોન્ડ વચ્ચેનો સંબંધ માત્ર એક ‘ધારણા’ છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું પહેલાની સિસ્ટમ 100 ટકા પરફેક્ટ હતી.
નાણા પ્રધાને કહ્યું કે, આ માત્ર એક ધારણા છે કે EDના દરોડા પછી પૈસા આપવામાં આવ્યા હતા. એ પણ શક્ય છે કે કંપનીઓએ પૈસા આપ્યા હોવા છતાં ત્યાં EDના દરોડા પડ્યા હોય. સવાલ એ પણ છે કે શું કોઈને ખાતરી છે કે આ પૈસા ભાજપને જ આપવામાં આવ્યા હતા? આ પૈસા પ્રાદેશિક પક્ષોને આપવામાં આવ્યા હોવાની પણ શક્યતા છે.
દાન આપનારી ટોચની કંપનીઓ સામે ચાલી રહેલી તપાસની પણ અલગ અલગ ચરણમાં છે. કેટલીક કંપનીઓ સામે માત્ર કેસ નોંધવામાં આવ્યા છે તો કેટલીક કંપનીઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા છે, EDએ કેટલીક કંપનીઓની સંપત્તિ જપ્ત પણ કરી છે.
તપાસ હેઠળની આ 14 કંપનીઓમાં ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, હલ્દિયા એનર્જી લિમિટેડ, વેદાંત લિમિટેડ, યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ડીએલએફનો કોમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, ચેન્નાઈ ગ્રીનવુડ્સ પ્રાઈવેટ લિમિટેડ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ, આઈએફબી એગ્રો લિમિટેડ, એનસીસી લિમિટેડ, ડિવી એસ લેબોરેટરી લિમિટેડ, યુનાઈટેડ ફોસ્ફરસ ઈન્ડિયા લિમિટેડ અને અરબિંદો ફાર્માનો સમાવેશ થાય છે.
Taboola Feed