કૉંગ્રેસ ગુજરાતથી લાગુ કરશે આ પાયલટ પ્રોજેકેટ, દેશભરમાંથી 700 જિલ્લા પ્રમુખોને દિલ્હીનું તેડું…

નવી દિલ્હીઃ એક બાદ એક રાજ્યમાં હારી રહેલી કૉંગ્રેસ હવે સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. આ માટે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીએ જિલ્લા કોંગ્રેસ કમિટી (DCC) સંગઠનને કેન્દ્ર બિંદુ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. જે અંતર્ગત AICCએ દેશભરના આશરે 700 જિલ્લા કૉંગ્રેસ પ્રમુખોને દિલ્હી બોલવ્યા છે. 27-28 માર્ચ અને 3 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં ત્રણ બેંચમાં આ પ્રમુખોની બેઠક મળશે. જેનો મુખ્ય ઉદ્દેશ સંગઠન માટે નવી રૂપરેખા લાગુ કરી પાયાના સ્તરેથી પક્ષને મજબૂત કરવાનો છે.
આ પણ વાંચો: Nagpur Violence: સોશિયલ મીડિયાએ આપી હિંસાને હવા! સાયબર સેલે 140 થી વધુ પોસ્ટ્સ અને વીડિયોનો શોધી કાઢ્યા…
કૉંગ્રેસની આ બેઠક 16 વર્ષ બાદ યોજાશે. જે કૉંગ્રેસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સૂત્રો મુજબ આ પાયલટ પ્રોજેક્ટ ગુજરાતથી લાગુ કરવામાં આવશે. ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાશે. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખોની પસંદગી અને સંગઠનને મજબૂત બનાવવા પર ભાર આપવામાં આવશે.
પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં મળેલી એઆઈસીસીના મહાસચિવો અને પ્રભારીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક અંગે કૉંગ્રેસ વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું, આ બેઠક અમારા જિલ્લા એકમોને સશક્ત બનાવવા અને સંગઠનને નવી દિશા આપવા માટેનું ઐતિહાસિક પગલું છે. અમારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલે પક્ષની તાકાત વધારવાનું છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠક દ્વારા કૉંગ્રેસ તેની રણનીતિને પ્રભાવશાળી બનાવવા માંગે છે. ગુજરાતમાં આ પાયલટ પ્રોજેક્ટની સફળતાના આધારે અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવાની યોજના છે. આ પગલું કૉંગ્રેસ માટે સંગઠનમાં બદલાવ અને પાયાના કાર્યકરોમાં નવી ઊર્જા ભરવાનો પ્રયાસ માનવામાં આવે છે. આગામી દિવસોમાં આ બેઠકના પરિણામ પક્ષની ભવિષ્યની રણનીતિ પર અસર કરી શકે છે.
આ પણ વાંચો: Farmers Protest : પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ…
ગુજરાત પર જ કેમ છે ફોક્સ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. જો કૉંગ્રેસ અહીં સફળતા મેળવો તો તેઓ ભાજપને દેશભરમાં પડકાર ફેંકી શકે છે. ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ કૉંગ્રેસની સ્થિતિ મજબૂત કરી શકે છે. ગુજરાતમાં કૉંગ્રેસ નેતાઓના પક્ષ પલટા અને આંતરિક જૂથવાદના કારણે નબળી પડી રહી છે. હવે પક્ષ પાયાના સ્તરેથી મજબૂત થવા માટે ગુજરાતને પાયલટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગ કરી રહી છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ અત્યારથી જ સક્રિય થવા માંગે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ જીત્યા બાદ કૉંગ્રેસને 2027માં પણ સારા દેખાવની આશા છે.