
નવી દિલ્હી: ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સમય મર્યાદા નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે કેન્દ્ર સરકાર રીવ્યુ પીટીશન દાખલ કરી શકે છે. સરકારની દલીલ છે કે કોર્ટનો નિર્ણય કેટલાક કારોબારી વિભાગના અધિકારક્ષેત્રને અસર કરી શકે છે. જોકે, રીવ્યુ પીટીશન અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
એક અહેવાલમાં અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું કે, સમયમર્યાદાની સમીક્ષા માંગવા ઉપરાંત, સરકાર સુપ્રીમ કોર્ટના આદેશની સમીક્ષા કરવાની પણ માંગ કરી શકે છે. જે મુજબ રાજ્ય સરકારોને અધિકાર મળ્યો છે કે જો રાજ્યપાલ દ્વારા વિચારણા માટે મોકલવામાં આવેલા બિલને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી ન આપવામાં આવે તો રાજ્ય સરકાર સીધા કોર્ટમાં જવાની મંજૂરી આપે છે.
આ રીવ્યુ પીટીશન ક્યારે દાખલ કરવામાં આવશે એ અંગે અધિકારીએ સ્પષ્ટતા કરી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રીવ્યુ પીટીશનના આધાર અંગે ચર્ચાઓ થવાની હજુ બાકી છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને બીલ પર નિર્ણય કરવા સમય મર્યાદા નક્કી કરી, રાષ્ટ્રપતિ વિષે પણ મહત્વની ટીપ્પણી કરી
સુપ્રીમ કોર્ટનો ચુકાદો:
ગયા અઠવાડિયે એક ચુકાદો આપતા, સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કર્યું હતું કે રાજ્યપાલ વિચારણા માટે અનામત રાખેલા બિલો રાષ્ટ્રપતિ પાસે મોકલે છે, તો અરજી પ્રાપ્ત થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે 10 બિલોને પણ મંજૂરી આપી હતી જેને તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ રાષ્ટ્રપતિના વિચાર માટે મુલતવી રાખ્યા હતા. તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને, 10 કાયદાઓને પસાર થયેલા માનીને સત્તાવાર ગેઝેટ રજુ સામેલ કર્યા છે.