ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

દેવા ભાઉ કેબિનેટઃ ફડણવીસ 3.0 પ્રધાનમંડળના નવ નવા ચહેરા કોણ છે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના શપથ લીધા બાદ આજે રાજ્ય પ્રધાન મંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે. દેવેન્દ્ર ફડણવીસ 3.0 સરકારના નવા પ્રધાનોનો શપથ ગ્રહણ સમારોહ આજે નાગપુરના રાજભવનમાં યોજાઈ રહ્યો છે. રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન નવા પ્રધાનોને શપથ લેવડાવી રહ્યા છે. નવી સરકારમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નવી કેબિનેટમાં ભાજપ દ્વારા 9 જેટલા નવા ચહેરાઓને પ્રધાન પદની તક આપવામાં આવી છે. શિવસેના તરફથી 3 નવા ચહેરાઓએ પ્રધાન તરીકે શપથ લીધા છે. અમે તમને ભાજપ દ્વારા કયા નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી છે અને તેમની અત્યાર સુધીની કારકિર્દી કેવી રહી છે તેની વિગતવાર માહિતી મેળવીએ..

1) નિતેશ રાણે
ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણે કણકવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. નિતેશ રાણે ભાજપના આક્રમક યુવા નેતા છે. નિતેશ રાણે ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેના પુત્ર છે. નિતેશ રાણેના ભાઈ નિલેશ રાણે પણ આ ચૂંટણીમાં શિવસેનાની ટિકિટ પર કુડાળ બેઠક પરથી ચૂંટાયા છે. તો એક જ પરિવારમાં બે વિધાનસભ્ય અને એક સાંસદ છે. નિતેશ રાણેએ હિન્દુત્વના મુદ્દે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની જોરદાર અને વારંવાર ટીકા કરી હતી. તેમણે ખૂબ જ આક્રમક રીતે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેઓએ રાજ્યભરમાં પ્રવાસ કર્યો હતો. તેમની વિવિધ સામાજિક પ્રવૃતિઓ, મતવિસ્તારના કામો અને વિપક્ષો પર પ્રહાર કરવાની તેમની જોરદાર શૈલીએ તેમને પ્રધાનપદની તક આપી છે.

2) મેઘના બોર્ડીકર
મેઘના બોર્ડીકર પરભણીના જીંતુર વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય છે. તે આ મતવિસ્તારમાંથી બે વખત જીતી ચૂક્યાં છે. બોર્ડીકરના પિતા રામપ્રસાદ બોર્ડીકર આ મતવિસ્તારમાંથી પાંચ વખત વિધાનસભ્ય રહ્યા છે. બોર્ડીકર અગાઉ કોંગ્રેસમાં હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેમની પુત્રી મેઘના બોર્ડિકરે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને વિધાનસભ્યની બેઠક જીતી. આ તેમનો બીજો કાર્યકાળ છે. તેમના કામથી ખુશ હોવાથી પાર્ટીએ તેમને પ્રધાનપદની તક આપી છે.

3) માધુરી મિસાળ
માધુરી મિસાળ પર્વતી વિધાનસભા મતવિસ્તારની વિધાનસભ્ય છે. મિસાળ 2009થી આ મતવિસ્તારનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ સતત ચાર વખત પર્વતી મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમના કામના કારણે ભાજપ પાર્ટીએ તેમને પ્રધાનપદની તક આપી છે.

4) ગણેશ નાઈક
ગણેશ નાઈક નવી મુંબઈમાં ભાજપના શક્તિશાળી નેતા છે. તેઓ 2004થી સતત પાંચમી વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. નવી મુંબઈમાં ગણેશ નાઈકના રાજકીય વર્ચસ્વને જોતા પાર્ટીએ આ વખતે તેમને પ્રધાનપદની તક આપી છે. ગણેશ નાઈકની સફર પહેલા શિવસેના, પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને હવે ભાજપ સાથે રહી છે. તેઓ 2019માં ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે પછી ભાવિ મંત્રીઓને ફોન કરશે; આવતીકાલે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ

5) જયકુમાર ગોરે
જયકુમાર ગોરે દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. ગોરે સતારા જિલ્લાના માણ વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે.

6) શિવેન્દ્રરાજે ભોસલે
શિવેન્દ્રરાજે ભોસલે 2019માં સતારા વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ ફરી એકવાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. શિવેન્દ્રરાજે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. સતારામાં તેમની ખૂબ તાકાત છે. આ વખતે ભાજપ પાર્ટીએ તેમને પ્રધાનપદની તક આપી છે.

7) પંકજ ભોયર
પંકજ ભોયરે સતત ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ વર્ધા મતવિસ્તારના વિધાનસભ્ય છે. પાર્ટીએ હવે તેમને પ્રધાનપદની મોટી જવાબદારી આપી છે.

8) અશોક ઉઇકે
અશોક ઉઇકે રાળેગાંવ મતવિસ્તારના વિધાનસભ્ય છે. તેઓ 2014, 2019 અને 2024ની ચૂંટણીમાં સતત ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. તેથી પાર્ટીએ તેમને પ્રધાનપદની તક આપી છે.

9) આકાશ ફૂંડકર
આકાશ ફૂંડકર બુલઢાણા જિલ્લાના ખામગાંવ વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય છે. આકાશ ફૂંડકર ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ ફૂંડકરના પુત્ર છે. તેઓ ખામગાંવ મતવિસ્તારમાંથી સતત ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા છે. આકાશ ફૂંડકર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ જોઈને ભાજપે તેમને પ્રધાનપદની તક આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button