ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ રથયાત્રા પછી? સંગઠનમાં પણ તળિયાથી નળિયા સુધી ફેર-બદલ
લોકસભા ચૂંટણીના પરિણામો પછી દેશના બીજા રાજ્યો કરતાં વધુ અને ભાજપમાં ચોંકાવનારા ફેર બદલ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં થશે. કારણો પણ એક નહીં, અઢાર છે.
ભાજપમાં ઉકળતો આંતરિક અસંતોષનો ચરૂ, કોંગ્રેસીઓનું ભાજપીકરણ કરવું, મોટા ભરતી મેળામાં જોડવામાં આવેલા અન્ય પાર્ટીના ધારાસભ્યોએ કે કાર્યકરોને બોલાવી-બોલાવી પદ,હોદ્દા ફાળવવા અને પાયાના કાર્યકરોની ઉપેક્ષા-અવહેલનાથી પાર્ટીમાં લાવા ધખધખે છે. વડોદરામાં સાંસદ રંજન ભટ્ટની ટિકિટનો મુદ્દો હોય કે સાબરકાંઠામાં ભિખાજી, લોકસભા બેઠક માટે ઘોષિત થયેલા નામ જ્યારે બદલવા પડે ‘ત્યારે સાલ્લું લાગી આવે છે’ ( પાર્ટીને અને મોવડીઓને ) વડોદરા અને સાબરકાંઠાનો આ અસંતોષ છેક દિલ્લી દરબાર સુધી પહોચ્યો.
રૂપાલા-વિવાદે- વિષાદે…
બીજી તરફ,રાજકોટમાં લોકસભાના ઉમેદવાર તરીકે લદાયેલા પરસોત્તમ રૂપાલાને શરૂઆતથી જ સ્થાનિક અહી બહારીનો ટેગ લગાવી તેમના પ્રચાર રથમાં પંકચર પાડવાનું કામ હાથ ઉપર લેવાયું. અને જ્યારે ક્ષત્રિય આંદોલન શરૂ થયું ત્યારથી ભાજપની એક ટિમ પરસોત્તમભાઈ વિરુદ્ધ કામે લાગી હોવાના પણ સંકેત હાઇ કમાન્ડ સુધી પહોચ્યા. જેમ જેમ આંદોલનનો વ્યાપ વધ્યો તેમ તેમ સમેલનોમાં ભીડ વધી,અને આ ભીડ વધી તો ભાજપને ભીડ પડી ગઈ.
આ પણ વાંચો: ગુજરાતનાં અસરદાર સરદાર કરી શકે છે નિર્ણય: ઓછું મતદાન,મંત્રીપદ પર તલવાર?
ભારે મુશ્કેલી અનુભવતા ભાજપે પોતાના ક્ષત્રિય આગેવાનોના હણહણતા તેજીલા તોખાર દસેય દિશાઓમાં છૂટા મૂક્યા. સમાજને,પોતાની લાજ રાખવા,પાર્ટીનું નાક રાખવા અને સંયમ ના ગુમાવવાની વિનવણી પર વિનવણી છ્તા વટ,વચન,અને વ્યવહારની ધરોહર સમા ક્ષત્રિય સમાજે નમતું તો ના મૂક્યું પણ અધુરામાં પૂરું આ નેતાઓને રાજપૂતો નહીં, ભાજપૂતો કહી દીધા. ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ ‘મધ્યસ્થી’માં દરેક પ્રયાસે વિફળ રહ્યા.
હર્ષ સંઘવી ઉતર્યા ‘વિસ્ઠિ’ માટે …
ગુજરાત ભાજપને લાગ્યું કે, નહીં મેળ પડે ..તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી -સી આર પાટિલ ઉતર્યા મેદાનમાં. મારતે વિમાને અહીંથી તહી.. અને તહીથી આ ફેર ઊડાઊડ કરી મૂક્યું.. પણ લગભગ ગજ ના વાગ્યો… સરકાર અને ક્ષત્રિય સમાજના વડેરાઓએ રજવાડાના રાજવીઓને લાકડિયો તાર ( કહેતા સંદેશો ) મોકલ્યો. એક મંચ આવો અને ખખડાવો ખાંડા….. રાજકોટના રાજપરિવારના માંધાતાસિંહે બીડું ઝડપી 45 રાજ પરિવારના ભાજપ અને મોદીજીને સમર્થનની વાત કહી, જેઓ રૂબરૂ ના આવ્યા તેમણે પત્ર પાઠવ્યા. રાજકોટ બેઠક પર ચૂંટણી રંગે ચ્ંગે ( શાંતિપૂર્ણ ) પતિ ગઈ.
ચિનગારી રાજકોટમાં,ઝાળ પણ કાળ જેવી લાગી અન્ય જગ્યાએ
ગુજરાત ચૂંટણી પ્રચારમાં એક અઠવાડિયું મોડા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા માટે એવી લોકસભા બેઠકો પસંદ કરી,જ્યાંથી બીજી ત્રણથી ચાર લોકસભા બેઠકોને આવરી લેવાય. પરંતુ ફોકસ એવિ લોકસભા બેઠક પર રાખ્યું જ્યાં ક્ષત્રિય આંદોલનની સંભવત અસર થવાની શક્યતા વધારે હતી. તેમાં પણ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્ર નગર, જુનાગઢ,જામનગર ( રાજકોટ બાયપાસ -રૂપાલાના નામોલ્લેખ વગર )ની સભાઓ પણ આ જ કેન્દ્ર સ્થાને રહી. જામનગરમાં તો સભા પહેલા રાજવી શત્રુશલ્ય સિંહજીની ચરણ વંદના કરી સંદેશ આપવા પ્રયત્ન કર્યો. પણ કહેવાય છે કે રાજકોટમાં ઉઠેલી ચિંગારીની ઝાળ સુરેન્દ્રનગર, આણંદ,જામનગર, જેવી બેઠકો પર લાગી છે. હવે પરિણામ પર ખબર પડશે કે કોના દાવા કેટલા સાચા ?
રાજકોટ ભાજપમાં ઊભા ફાડિયા – અને પાછો અગ્નિકાંડ- ‘એક એક કા હિસાબ હોગા’
ગુજરાતનાં સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પદ પરથી ગયા બાદ,રાજકોટ ભાજપમાં ઊભા ફાડિયા ( મનભેદ)નાના નાના પ્રસંગે સામે આવ્યા છે. તેમાં પણ રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયા અગ્રેસર છે. એક નેતાને લાખો રૂપિયા આપ્યા પછી પરત નથી આપતા તેવા નિવેદન પછી રાજકોટમાં વકરેલા ભ્રસ્ટ્રાચાર અને પોતે લાંચ આપી હોવાના નિવેદનોએ સ્થાનિક નેતાગીરીની જાણે પોલ ખોલી નાખી.
રાજકોટના ગેમઝોન અગ્નિ કાંડે મહાપલિકાના સતાધીશો અને ભાજપની આબરૂના લીરા કરી નાખ્યા. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની કથિત લીપાપોતી પણ સવાલોના ઘેરામાં છે. તેમાં પણ , સ્થાનિક નેતાઓ સાન્તવના આપવા મોડા પહોચ્યા.. અઠવાડિયે ગયા તો પણ હૃદયનો ડૂમો ‘આંસુ સારી’ને બહાર કાઢ્યો. પણ જનતાની નારાજગી આમ છ્તા પણ એ જ રહી. અગ્નિકાંડ, વહીવટી તંત્ર અને રાજકોટ ભાજપમાં સ્થાનિક અસંતોષ- આસઘળાનું પરિમાણ, લોકસભા ચૂંટણીનાં પરિણામો પછી પ્રતિબિંબિત થશે.
ગુજરાતનાં સંગઠનમાં આ ફેર બદલને લાંબા ગાળાના ‘સબક’ તરીકે જોવાશે. અને પાર્ટીના કેટલાય પપૂધધૂ કદ પ્રમાણે જ વેતરાઈ જશે.