નયાનગરમાં ચાલ્યા બૂલડોઝર: રામભક્તોનાં વાહનોની તોડફોડ બાદ તોફાનીઓ પર આકરી કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે દિવસ પહેલાં કોમી હિંસાનો સામનો કરનારા મીરા રોડના નયાનગર વિસ્તારમાં મંગળવારે સ્થાનિક મનપા દ્વારા બૂલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, રેપિડ એક્શન ફોર્સના જવાનોને આ વિસ્તારમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં શોભાયાત્રા કાઢી રહેલા રામભક્તો પર તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કેટલાક લોકો લોહીલુહાણ થયા બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અત્યંત આકરા શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે તોફાનીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સોશ્યલ મીડિયા પર મંગળવારે સ્ટોલના ચાલી રહેલા તોડકામના વીડિયો વાઈરલ થયા હતા.
રવિવારે રાતે લોખંડના સળિયા, લાઠીઓ અને બેટ લઈને તોફાની તત્વોનું એક ટોળું નયાનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રામભક્તોની શોભાયાત્રા પર તૂટી પડ્યું હતું. ઉન્માદી નારાઓ પોકારતા તેમણે વાહનો પર હુમલા કર્યા હતા અને વાહનમાં બેસેલા લોકોને પણ જખમી કર્યા હતા. તેમણે શોભાયાત્રા પર પથ્થરમારો પણ કર્યો હતો.
પોલીસે 50-60 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.