આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના કાર્યકાળનું સતત સાતમું બજેટ રજૂ કર્યું છે. બજેટના દિવસે નાણા પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પર દેશની નજર ટકેલી હતી, તેથી હવે બજેટની જાહેરાતોની અસર શેરબજારમાં પણ જોવા મળી રહી છે.
બજેટમાં સરકારે સરકારે કેપિટલ ગેઇન્સ અને ટ્રેડિંગ ડેરિવેટિવ્સ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ રજૂ કરતા મંગળવારે ભારતીય શેરબજારોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક સમયે માર્કેટ લગભગ 1248 પોઇન્ટ તૂટી ગયું હતું, જે ત્યાર બાદ ધીમે ધીમે સુધારા તરફી આવ્યું હતું અને 600 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ વધીને 12.50 ટકા કરવમાં આવ્યો છે, જે પહેલા 10 ટકા હતો. NSE નિફ્ટી 50 અને S&P BSE સેન્સેક્સ લગભગ 1% ઘટીને અનુક્રમે 24,225 અને 79,984 પર ટ્રેડ કરે છે. ભારતીય રૂપિયો પણ અમેરિકી ડૉલરની સરખામણીમાં 83.69ના રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે.
બજેટની જાહેરાત બાદ શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ઘટીને 79224.32 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે ત્યાર બાદ સુધરીને આ લખાય છે ત્યારે 79,984 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, સેન્સેક્સ 80,724.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 232.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,276.60 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 24,568.90 પોઈન્ટ પર ખુલ્યો હતો.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણીની જાહેરાત કરી હોવાથી, કૃષિ શેરોમાં 10 ટકા સુધીનો વધારો થયો હતો. કાવેરી સીડ કંપની લિમિટેડ, કોરોમંડલ એગ્રો પ્રોડક્ટ્સ એન્ડ ઓઈલ લિમિટેડ, ધનુકા એગ્રીટેક લિમિટેડ અને નોવા એગ્રીટેક લિમિટેડ ટોચના ગેનર્સમાં હતા. ONGC, શ્રીરામ ફાઇનાન્સ, હિન્દાલ્કો, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, BPCL અને રિલાયન્સ આજે શેરબજારોમાં ટોપ લુઝર્સમાં છે.
Taboola Feed