ટોપ ન્યૂઝનેશનલ

Budau Double murder: શું છે બે માસુમ બાળકોની હત્યા પાછળનું કારણ?

ઉત્તર પ્રદેશના બદાયુંમાં બે બાળકોની નિર્મમ હત્યાની ઘટના(Budau Murder case)ને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યાના મુખ્ય આરોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે, અન્ય આરોપી સાજીદનો ભાઈ જાવેદ હાલ ફરાર છે. પોલીસ અલગ અલગ એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ હત્યા પાછળના કારણ અંગે હજુ પણ સ્પષ્ટતા થઇ શકી નથી.

સાજીદે વિનોદ અને સંગીતાના બે માસૂમ બાળકોનું ગળું કાપીને તેમનો જીવ કેમ લીધો તે હજુ સુધી કોઈને સમજાઈ રહ્યું નથી. સાજીદનું એનકાઉન્ટર થઇ જતા પોલીસને હત્યાના કારણ સુધી પહોંચવા મુશ્કેલી પડી રહી છે.

આપણ વાંચો Black day for children: બદાયું બાદ પ્રયાગરાજમાં નણંદે ભાભીના બે દીકરાને મારી નાખ્યા

આ દરમિયાન, પોલીસે આરોપી સાજિદ અને જાવેદના પિતા બાબુ, કાકા કયામુદ્દીન અને દાદીની પૂછપરછ કરી હતી, તેમણે આપેલા નિવેદનો બાદ કોકડું વધુ ગૂંચવાયું છે. સાજીદના પિતાનું કહેવું છે કે તેનો દીકરી કોઈ કાવતરાનો શિકાર બન્યો છે. તેને કોઈની સાથે દુશ્મની નહોતી. કાકાએ કહ્યું કે તે ખૂબ ગુસ્સાવાળો છે. કોઈનું સંભાળતો ન હતો. દાદીએ કહ્યું કે સાજીદે આ કૃત્ય કર્યું છે, જાવેદ નિર્દોષ છે.

આરોપી સાજીદના પિતા બાબુએ જણાવ્યું કે મંગળવારે હું બદાયું ગયો હતો. જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે ખબર પડી કે સાજીદને તેની માં અને જાવેદ શોધી રહ્યા છે. કોઈ સાથે તેનો ઝઘડો થયો હતો. કોઈએ જાવેદને ફોન કરીને બોલાવ્યો, આ પછી જાવેદ બાઇક લઇને નીકળી ગયો હતો. લગભગ સાત વાગ્યા હશે, ત્યાર બાદ જાવેદ મોડી રાત સુધી ઘરે ન આવ્યો. મને લાગે છે કે સાજીદ કોઈ કાવતરાનો શિકાર બન્યો છે.

સાજીદના પિતાએ કહ્યું કે, મને વિશ્વાસ નથી થતો કે એ આવું કરી શકે છે. અમે તેના મિત્રો વિશે કંઈ જાણતા નથી. તેમના મોબાઈલના નંબરો પરથી જાણ થઇ શકે. તેને કોઈની સાથે દુશ્મનાવટ ન હતી. તે કોઈ ષડયંત્રનો શિકાર બન્યો છે.

બંને બાળકોના મૃત્યુ પર દુખ વ્યક્ત કરતા સાજીદના પિતાએ કહ્યું કે જે પણ થયું તે ખૂબ જ ઘૃણાસ્પદ હતું. અમને અમારા દીકરાના મોતનો એટલો અફસોસ નથી જેટલો અમને તે બે બાળકોના મૃત્યુનું દુઃખ છે.

સાજીદના કાકા કયામુદ્દીને કહ્યું કે સાજિદે ખોટું કર્યું છે. તેનો સ્વભાવ ખૂબ ગુસ્સા વાળો હતો, કોઈનું સંભળાતો ન હતો. જો કોઈ તેને સમજાવવાનો કે ઠપકો આપવાનો પ્રયત્ન કરે તો તે કહેતો કે તે મરી જશે. ઘરના લોકો તેની સાથે વધુ વાત કરતા ન હતા. હું મંગળવારે દુકાન બંધ કરીને નીકળી ગયો હતો. સાંજે સમાચાર આવ્યા કે તેનો કોઈ સાથે ઝઘડો થઈ ગયો છે. અમે ઘરેથી ભાગીને આવ્યા, ત્યારબાદ હત્યા અંગે જાણ થઇ.

આરોપી સાજીદની દાદીએ કહ્યું કે સાજિદે જ બંને બાળકોની હત્યા કરી હશે. જાવેદ એકદમ નિર્દોષ છે. આ ઘટના બન્યા બાદ તેને જાણ થઈ હતી. તે સમયે જાવેદ અમારું કામ કરતો હતો. તે એક યુવાન છોકરો છે, એટલા માટે તે ડરીને ઘરેથી ભાગી ગયો હતો. દાદીએ સાજીદ પર સીધો આરોપ લગાવીને તેના બીજા પૌત્ર જાવેદનો બચાવ કર્યો છે.

આ દરમિયાન સાજિદની પત્ની સનાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. સાજીદે તેની પત્ની ગર્ભવતી હોવાનું અને હોસ્પિટલમાં છે તેમ કહી બાળકોની માતા સંગીતા પાસેથી પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા. પરંતુ સનાએ કહ્યું છે કે તે ગર્ભવતી નથી. તે છેલ્લા 15 દિવસથી તેના મામાના ઘરે રહે છે. સાજીદ પોતે જ તેને ત્યાં મૂકી ગયો હતો.

મૃતક બાળકોની દાદી મુન્ની દેવીએ જણાવ્યું કે સાજિદે તેની વહુ સંગીતાને કહ્યું કે તેની પત્ની હોસ્પિટલમાં દાખલ છે. આ વખતે ડિલિવરી માટે પૈસાની સમસ્યા છે. વહુંએ મારા દીકરાને ફોન કરતાં તેણે પૈસા આપવા કહ્યું હતું. વહુએ સાજીદને કહ્યું, ‘ઠીક છે ભાઈ, ચિંતા ન કરો, હું ચા લઈ આવું.’ આ પછી સાજિદે કહ્યું કે મને સારું નથી લાગી રહ્યું, છત પર જઈને આવું. તે બાળકોને ત્યાં લઈ ગયો અને ત્યાં જ તેને મારી નાખ્યા.

મૃતક બાળકોના ભાઈ પિયુષે જણાવ્યું કે, જ્યારે મેં નાના ભાઈની ચીસો સાંભળી ત્યારે મેં જઈને જોયું તો દરવાજો બંધ હતો. મારો ભાઈ ત્યાં પડ્યો હતો. જ્યારે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે કાચનો ટુકડો તેને વાગ્યો. હું ભાગી ગયો, મેં અમ્મા અને દાદીને બહાર બોલાવ્યા.

મૃતકની માતા સંગીતાએ કહ્યું, સાજીદે પૈસા માંગ્યા હતા. મને કહ્યું કે પૈસા મારી ભાભીને આપી દો.મારી પત્નીની ડિલિવરી કરાવવાની છે. મને કેવી રીતે ખબર પડે કે તે અમને મારવા આવ્યો છે? કોઈ બહાને બાળકોને ટેરેસ પર લઈ ગયો.

મૃતક બાળકોના પિતા વિનોદે કહ્યું, અમારી તેની સાથે કોઈ દુશ્મની નહોતી. તે વાળંદનું કામ કરતો હતો. અમને ન્યાય જોઈએ છે. જાવેદને જીવતો પકડવો જોઈએ જેથી ખબર પડે કે તેણે અમારા પુત્રોને શા માટે માર્યા. કોણે કરાવ્યું? જો તેનું એન્કાઉન્ટર થશે તો આ વાત બહાર નહીં આવી શકે. હત્યાનું કારણ જાણી શકાયું નથી. જો પોલીસ આવું કરશે તો વાત બંધ થઈ જશે.

બધાના નિવેદનોથી હત્યા પાછળનાં કારણનું કોકડું વધુ ગૂંચવાયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button