બેંગલુરુમાં એક કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો (A bomb blast in a cafe in Bengaluru). આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્ફોટ બેંગલુરુના બ્રુકફીલ્ડ વિસ્તારના પ્રખ્યાત કેફેમાં થયો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ (CM Siddaramaiah) પણ રામેશ્વરમ કાફેમાં થયેલો વિસ્ફોટ બોમ્બ વિસ્ફોટ હોવાની પુષ્ટિ કરી છે. બ્લાસ્ટ અંગેના મહત્વના પુરાવા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. કારણ કે, ફૂટેજમાં એક વ્યક્તિ કેફેની અંદર બેગ રાખતો જોવા મળે છે.
લોકોએ દાવો કર્યો છે કે બેગ કેશિયર કાઉન્ટર પર રાખવામાં આવી હતી અને અચાનક ફાટી ગઈ. આ બ્લાસ્ટમાં એક મહિલા 40 ટકા દાઝી ગઈ હતી અને તેને સર્જરીની જરૂર હતી. તેના કાનમાં પણ ગંભીર ઈજા થઈ હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે સીએમને કહ્યું કે તે IED બ્લાસ્ટ હતો. બેગમાંથી એક IED ડિવાઇસ મળી આવ્યું હતું જે વિસ્ફોટ થયો હતો. પરિસરમાં અન્ય કોઈ IED મળી નથી. જેણે પણ આ કર્યું તે દેહશત ફેલાવવા માંગતો હતો.
જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે, બેગમાં રાખેલી કોઈ વસ્તુના કારણે એટલો જોરદાર વિસ્ફોટ થયો કે કેફે અને તેની આસપાસ કાળો ધુમાડો ફેલાઈ ગયો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ વિસ્ફોટ થતાં જ અફડાતફડી મચી ગઈ હતી અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. તેમજ ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવીને તપાસ શરૂ કરી હતી.
વિસ્ફોટની માહિતી આપતાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે કોઈ મોટો વિસ્ફોટ થયો નથી. પોલીસ ઘટનાસ્થળે તપાસમાં વ્યસ્ત છે. કોઈપણ ઘાયલની હાલત ગંભીર નથી. સીસીટીવી પર નજર રાખવામાં આવી રહી છે. ફૂટેજમાં એક વ્યક્તિ કેફેમાં બેગ રાખતો જોવા મળે છે. આ કોણે કર્યું છે તે ખબર નથી. કેશિયરની પૂછપરછ કરવામાં આવી રહી છે. બેગ લઈને કેફે પહોંચેલી વ્યક્તિએ કેશ કાઉન્ટર પરથી ટોકન લીધું અને બેગ ત્યાં જ રાખી દીધી.
આ પહેલા ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વરાએ કહ્યું હતું કે બપોરે કેફેમાં વિસ્ફોટ થયો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કેવી રીતે થયું અને કોણે કર્યું. અમારા કમિશનર, ડીજીએ સ્થળની મુલાકાત લીધી છે. FSLની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અમે ટૂંક સમયમાં તેના વિશે જાણીશું. લગભગ 9 લોકો ઘાયલ છે અને તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.