
અમરેલીઃ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનો નકલી લેટરપેડ બનાવનાર આરોપીને અમરેલી એલસીબી ટીમે ગણતરીના કલાકોમા ઝડપી પાડ્યો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયા કારકિર્દીને હાની પહોંચાડવા માટે ખોટા આરોપો સાથેનો લેટર પેડ લખી વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. નકલી લેટરપેડ વાઇરલ થતાં ભાજપમાં ખળભળાટ મચ્યો હતો.
ભાજપના નેતા સહિત ચારની ધરપકડ
નકલી લેટર પેડ વાઇરલ થતાં ગઇકાલે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ એસપી સંજય ખરાત સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ અમરેલી એલસીબી ટીમે નકલી લેટરપેડ બનાવનાર 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી, જીતુ ખાત્રા મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
Also read: કવિ રમેશ પારેખના લીલાછમ અમરેલીનો મહેલ, ગાયકવાડી ઈતિહાસ જાણો
શું છે મામલો
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે વાઇરલ થયેલા ડુપ્લિકેટ લેટરપેડમાં સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યા હતા. કિશોર કાનપરિયાએ કહ્યું હતું, આજે સવારે મારા વ્હોટ્સએપ પર લેટરપેટ આવ્યો, જેમાં લેટરપેડ અને સાઈન ડુપ્લિકેટ બનાવી ધારાસભ્ય કૌશિકભાઈના વિરુદ્ધમાં ઘણુંબધું લખ્યું હતું. કૌશિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેનું કાવતરું ઘડી આવું વાઈરલ કર્યું હતું.