લોકસભાની ચૂંટણી માટે ભાજપે પાંચમી યાદી જાહેર કરી
મેનકા ગાંધી, નવીન જિંદાલ, સીતા સોરેન, કંગના રનૌતનું નામ જાહેર પણ વરુણ ગાંધીનું પત્તું કપાયું
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની સત્તાધારી સરકાર ફરી સત્તામાં આવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, જેમાં અગાઉ ચાર યાદી જાહેરાત કરી હતી. આજે પાંચમી યાદી જાહેર કરી હતી, જેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિસા અને આંધ્ર પ્રદેશ સહિત મહત્ત્વના રાજ્યોને સમાવતા 111 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.
આજની પાંચમી યાદીમાં હમણા જ કોંગ્રેસને બાયબાય કરનારા નવિન જિંદાલ, મેનકા ગાંધી, જિતિન પ્રસાદ, અભિનેત્રી કંગના રનૌત, રવિશંકર પ્રસાદ સહિત અનેક દિગ્ગજ નેતાને ટિકિટ આપવામાં આવી છે. પિલિભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપવામાં આવી છે. એના સિવાય કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેની ટિકિટ પણ કાપવામાં આવી છે. આ ઉપરાત, સીતા સોરેનને દુમકા (ઝારખંડ)થી ટિકિટ મળી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નવીન જિંદાલને કુરુક્ષેત્રમાંથી ટિકિટ આપી છે, જ્યારે રવિ શંકર પ્રસાદને પટણા સાહેબથી ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહને બેગુસરાયથી ચૂંટણી લડશે. આ ઉપરાંત, આજની યાદીમાં ગુજરાતના છ અને મહારાષ્ટ્રના ત્રણ ઉમેદવારને ટિકિટ આપી છે.
સાબરકાંઠા અને વડોદરાની બેઠક પરથી ફરીથી નવા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ગોંદિયા, ગઢચિરોલી અને સોલાપુરથી ઉમેદવારનો સમાવેશ થાય છે. કેરળમાં ચાર ઉમેદવાર કર્યા છે, જેમાં વાયનાડથી રાહુલ ગાંધી સામે કે. સુરેન્દ્રને ટિકિટ આપી છે. આજની યાદીમાં સૌથી વધુ બિહારમાં 17 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
પાંચમી યાદી તૈયાર કરવા માટે શનિવારે રાતના ત્રણ વાગ્યા સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ, મેરઠ, સહરાનપુર અને મુરાદાબાદની જાહેરાત કરવાની અપેક્ષા હતી. આજની યાદીમાં 111 ઉમેદવારોમાંથી 20 મહિલા છે.
લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં 195, બીજી યાદીમાં 72, ત્રીજીમાં નવ, ચોથી યાદીમાં 15 નામ જાહેર કર્યા હતા. ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુથી ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ભાજપ વતીથી 291 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.