પટણા: છેલ્લા ઘણા સમયથી બિહારમાં મોટા રાજકીય ભૂકંપની આશંકાઓ કરવામાં આવી રહી હતી. તેવામાં નીતીશ કુમારનું ભારતીય જાણતા પાર્ટી સાથે જોડાય જવાની અટકાળોએ ભારે ચર્ચાઓ જગાવી હતી. આ બધાની વચ્ચે આજે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવાય છે કે નીતીશ અને BJP વચ્ચે ડીલ ફિક્સ થઈ ગઈ છે અને રવિવારે નીતીશ કુમાર ભાજપ સાથે બિહારમાં સરકાર બનાવી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, નીતીશે તેમના રવિવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા છે. જેને લઈને BJP સાથેના જોડાણ અને તેની સાથે નવી સરકાર બનાવવાની અટકળો વધુ મજબૂત થાય છે.
સૂત્રો તરફથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે કે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી નીતીશ કુમાર મુખ્યપ્રધાન રહેશે. અગાઉ એવા સમાચાર હતા કે વિધાનસભા ભંગ કરીને લોકસભાની સાથે ચૂંટણી પણ યોજાઈ શકે છે. હવે સૂત્રોનું કહેવું છે કે ભાજપ અને જેડીયુ ગયા વખતની જેમ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડશે. બેઠકોની સંખ્યા અને અન્ય બાબતો આગામી બે-ત્રણ દિવસમાં સ્પષ્ટ થશે. બિહારમાં જો નવી સરકાર બને તો મંત્રાલયોની વહેંચણી અગાઉની ભાજપ-જેડીયુ સરકારની જેમ જ રહેવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસના અવસરે પટનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન બિહાર સરકારની આંતરિક ખેંચતાણની ઝલક પણ જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન CM નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એકબીજાથી અંતર રાખતા જોવા મળ્યા હતા. કાર્યક્રમની જે તસવીર સામે આવી છે તેમાં બંને નેતાઓ એકબીજાથી દૂર બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે CM નીતીશ કુમારની એક ખુરશી ખાલી હતી.
બિહારમાં નીતિશ કુમારની નવી સરકાર બનાવવાની અટકળો વચ્ચે હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મોટું નિવેદન આપ્યું છે. માંઝીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે 25 જાન્યુઆરી પછી બિહારમાં કોઈ મોટું પરિવર્તન થવાનું છે. મારો મુદ્દો નીતીશ કુમારના તે નિવેદનો પર આધારિત છે જેમાં તેમણે RJD પર પ્રહારો કર્યા હતા. તેના આધારે મેં આ દાવો કર્યો હતો. નીતીશ કુમારનું પીએમ બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે…તેથી ગઠબંધન તોડીને તેઓ સ્વતંત્ર રીતે લોકસભાની ચૂંટણી લડી શકે છે અથવા અન્ય ગઠબંધનમાં જોડાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ આરજેડી અને જેડીયુ વચ્ચેના સંબંધો વણસવા લાગ્યા હતા. આ જ કારણ હતું કે થોડા દિવસો પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ભત્રીજાવાદ અંગેની ટિપ્પણી બાદ રાજ્યમાં શાસક ‘ગ્રાન્ડ એલાયન્સ’માં ભંગાણની અટકળો વચ્ચે જનતા દળ યુનાઇટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન દ્વારા વંશવાદની રાજનીતિને લઈને કરવામાં આવેલી ટિપ્પણીમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને નિશાન બનાવવામાં આવ્યા નથી. લાલુ પ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવ નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે જ્યારે તેમના મોટા પુત્ર રાજ્ય સરકારમાં મંત્રી છે.