Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી મુદ્દે ફરી આવ્યા મોટા News, આ તારીખે જાહેર થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) મુદ્દે ફરી એક વાર મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ચૂંટણી પંચ કદાચ 13મી માર્ચે કે 13મી માર્ચ પછી ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, સાતથી આઠ તબક્કામાં મતદાન થઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ અગાઉ બે વખત ચૂંટણીની તારીખ અંગે વિવિધ અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આજે ફરી એક વખત લોકસભાની ચૂંટણી 13મી માર્ચે જાહેર કરી શકાય છે. આ ચૂંટણીના સંબંધમાં ચૂંટણી પંચના અધિકારીઓ વિવિધ તૈયારીઓ હાથ ધરી છે, જ્યારે વિવિધ રાજ્યોની મુલાકાત પણ લઈ રહ્યા છે. વિવિધ રાજ્યની કામગીરી પૂરી થયા પછી તારીખની જાહેરાત કરી શકાય છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે હાલમાં તમિલનાડુની મુલાકાતે ચૂંટણી પંચના અધિકારીઓ છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જશે. તેમની કામગીરી 13મી માર્ચ પૂર્વે પૂરી થઈ શકે છે, જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં હોઈ શકે છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી છથી સાત તબક્કામાં કરાવી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મોટા ભાગના રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના તબક્કા પરંપરાગત રીતે નક્કી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ વગેેરે રાજ્યોમાં બે કે તેથી વધુ તબક્કામાં મતદાન થશે. તમિલનાડુ, કેરળ, ગુજરાત, હરિયાણા, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં મતદાન થશે.
ચૂંટણીની તૈયારીના ભાગપુરે તમામ રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓ (સીઈઓ)ની સાથે તબક્કાવાર વિવિધ બેઠક કરી રહ્યા છે. વિવિધ રાજ્યના સંવેદનશીલ વિસ્તારમાં ઊભા થનારા વિવિધ અવરોધો, સુરક્ષા દળોની જરુરિયાતો, સરહદ પરની કડક ચોકસાઈ વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, જ્યારે આ બાબતની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ચૂંટણી પંચ મે મહિના પૂર્વે લોકસભાની ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે યોજવા માટે એડવાન્સ સિસ્ટમનો ઉપયોગ કરશે, જેમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ મારફત ખોટી રીતે ઉપયોગ થાય નહીં તેની પણ તકેદારી રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી મુદ્દે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સાથે કોંગ્રેસે પણ કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટી પણ કંઈ હટકે કરવાની નીતિ અખત્યાર કરી શકે છે, જ્યારે આગામી મહિને માર્ચ મહિનામાં ભાજપ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. એમ વર્તુળોએ જણાવ્યું હતું.