ભારતને મળી મોટી રાજદ્વારી સફળતા, ઈરાને જપ્ત કરેલા જહાજના 5 ભારતીય ક્રૂ મેમ્બર્સ સ્વદેશ પરત ફર્યા
તેહરાન: ભારતને એક મોટી રાજદ્વારી સફળતામાં મળી છે. ગત મહીને ઇઝરાયેલ જઈ રેહલા એક જહાજને જપ્ત કરી ઈરાને તમામ ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા હતા, ગુરુવારે તેહરાન(Tehran)માં બંધક પાંચ ભારતીય ક્રૂ મેમ્બર્સને મુક્ત કરવામાં આવ્યા હતા, તેઓએ ઈરાન પણ છોડી ભારત પરત ફરી રહ્યા છે. ઈરાન(Iran)માં ભારતીય દૂતાવાસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે બંદર અબ્બાસમાં દૂતાવાસ અને ભારતીય વાણિજ્ય દૂતાવાસ સાથે સંકલન માટે ઈરાની અધિકારીઓનો પણ આભાર માન્યો હતો.
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “MSC Aries પર સવાર પાંચ ભારતીય ખલાસીઓને આજે સાંજે મુક્ત કરવામાં આવ્યા અને તેઓ ઈરાનથી રવાના થયા છે. બંદર અબ્બાસમાં દૂતાવાસ અને ભારતીય વાણિજ્ય દૂતાવાસ સાથેના ગાઢ સંકલન માટે અમે ઈરાની અધિકારીઓની પ્રશંસા કરીએ છીએ.”
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન 13 એપ્રિલના રોજ ઇઝરાયલ જઈ રહેલા કાર્ગો જહાજને ઈરાન દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં 17 ભારતીય નાગરિકો સવાર હતા.
આ જહાજ લંડન સ્થિત ઝોડિયાક મેરીટાઇમ(Zodiac Maritime) કંપનીની માલિકીનું છે. આ કંપની ઇઝરાયેલી બિલિયોનેર Eyal Ofer ના Zodiac Group નો ભાગ છે.
અગાઉ, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના ઈરાનના સમકક્ષ એચ અમીર અબ્દુલ્લાહિયનને ફોન કર્યો હતો અને તમામ 17 ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવાની માંગ કરી હતી. જયશંકરે ટ્વીટ કર્યું હતું કે, “વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી. તણાવ ટાળવા, સંયમ રાખવા અને વાતચીત તરફ પાછા ફરવાના મહત્વ પર ભાર મૂક્યો. બંને પક્ષો સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા.”