આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગરની બસનો રાજસ્થાનના ભરતપુરમાં અકસ્માત, 11નાં મોત અને 12 ઘાયલ

ભાવનગરથી મથુરા જઈ રહેલી બસને આજે વહેલી સવારે રાજસ્થાનના ભરતપુરમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં ગુજરાતના 11 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 5 પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. મળતી માહિતી મુજબ બસમાં સવાર તમામ 60 મુસાફરો ભાવનગર વિસ્તારના રેહવાસી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજસ્થાન મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ ઘટના અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી, ભુપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું કે, ‘રાજસ્થાનના ભરતપુર નજીક થયેલા માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.’ અશોક ગેહલોતે પણ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા ઘાયલોના સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે.



સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અકસ્માત નેશનલ હાઈવે- 21 પર લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હંત્રા પુલ પર થયો હતો. શ્રદ્ધાળુઓને લઈને બસ ગુજરાતના ભાવનગરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી. મુસાફરો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે-21 પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી, જેના કારણે બસ રીપેર કરવા રોડની બાજુમાં રોકવી પડી હતી. આ દરમિાયન સવારે 5.30 વાગ્યાના અરસામાં પૂરપાટ વેગે આવતા ટ્રકે બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બસને 20થી 25 ફૂટ જેટલી ઘસડાઈ હતી. જેમાં બસની આગળ ઉભેલા અને બસની પાછળની સીટ પર બેઠેલા મુસાફરો કચડાઈ ગયા હતા જેમાંથી 11 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મૃતદેહોને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઇવર ફરાર છે. પોલીસે નાકાબંદી કરી ડ્રાઈવરને પકડવા કવાયત હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button