આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ભરૂચ પૂર માનવસર્જિત આપત્તિ છે, મુખ્ય પ્રધાનને બતાવવા પાણી રોકી રખાયું, સંસ્થાનો દાવો

સરદાર સરોવર ડેમમાંથી એક સાથે અચાનક મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા ભરૂચ-અંકલેશ્વરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પુરને કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, ખેડૂતો અને વેપારીઓને ભારે આથિક નુકશાન પહોંચ્યું છે. એક અખબારી અહેવાલ મુજબ એક સંસ્થાએ દાવો કર્યો છે કે આ પૂર ‘માનવસર્જિત આપત્તિ’ હતી. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે સરદાર સરોવર નિગમના અધિકારીઓએ મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને ખુશ કરવા પાણી રોકી રાખ્યું હતું, ત્યાર બાદ એક સાથે પાણી છોડવામાં આવ્યું હતું.

વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાજ્યની ભાજપ સરકારે ખેડૂતોને જરૂર સમયે ત્યારે ડેમમાંથી પાણી છોડવાનો ઇનકાર કર્યો હતો. સરકારે પાણીનો સંગ્રહ કર્યો જેથી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જળાશયમાંથી પાણી છોડી શકાય.

ત્યારે 2003 થી રાજ્યમાં કાર્યરત બ્રેકિશ વોટર રીચર્સ સેન્ટરએ કહ્યું છે કે આ પૂર એક ‘માનવસર્જિત આપત્તિ’ હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખેલા એક ઈમેલમાં સંસ્થાએ ભરૂચ પૂર માટે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો. આ ઈમેઈલમાં ભરૂચમાં પૂરને “માનવીય બેદરકારી” ગણાવવામાં આવી છે.

સંસ્થાના જણાવ્યા મુજબ,  સરદાર સરોવર ડેમના અધિકારીઓએ ડેમ ભરાઈ ગયો છે એમ મુખ્યપ્રધાનને બતાવવા માટે ડેમને 138.68 મીટર FRL (ફુલ રિઝર્વોયર લેવલ) સુધી ભરી દીધો હશે. અધિકારીઓએ પ્રમોશન મેળવવા અથવા રાજકીય દિશાનિર્દેશો મેળવવા માટે આવું કર્યું હોઈ શકે છે. પાણીનું સ્તર FRLની નજીક પહોંચ્યા પછી, કોર્પોરેશનને પાણી છોડવાની ફરજ પડી અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી, આ મુદ્દે સ્પષ્ટતા આપવાની અને સંશોધન કરવાની જરૂર છે.

17 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર ડેમની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાનને સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટીતંત્ર દ્વારા ગુમરાહ કરવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસનો આદેશ આપવા પણ સંસ્થાએ મુખ્ય પ્રધાનને ઈમેઈલ દ્વારા જણાવ્યું હતું. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે જો સરદાર સરોવર નર્મદા કોર્પોરેશને 14 સપ્ટેમ્બરથી આયોજન કર્યું હોત તો આ પાણીના જથ્થાનું સંચાલન યોગ્ય રીતે થઈ શક્યું હોત.

સંસ્થાના જણાવ્યા મુજબ સેન્ટ્રલ વોટર કમિશને 17 અને 18 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા કોર્પોરેશનના અધિકારીઓને સરદાર સરોવર ડેમ માટે મહત્વની આગાહી અને આંકડાકીય માહિતી પૂરી પાડી હતી. એવો અંદાજ હતો કે 33,000 ક્યુમેક્સ (11 લાખ ક્યુસેક) પાણી છોડવામાં આવશે. તેની સરખામણીમાં પાણીની મહત્તમ આવક 63,950 ક્યુમેક્સ (22.58 લાખ ક્યુસેક) નોંધાઈ હતી. અંદાજ કરતા લગભગ બમણો જથ્થો ડેમમાં પ્રવેશ્યો, જેના કારણે ડેમની કામગીરી ખોરવાઈ ગઈ. આ માટે, ગુજરાત સરકારે સેન્ટ્રલ વોટર કમિશનના ખોટા અથવા ઓછા અંદાજનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવો જ જોઇએ અને રાજ્ય સરકાર તેમ કરશે તેવી અપેક્ષા છે.

સંસ્થાના જણાવ્યા મુજબ ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે સરદાર સરોવર ડેમ કોર્પોરેશનના અધિકારીઓએ IMD હવામાનની આગાહી, વરસાદના આંકડા, CWCના આંકડા અને ઉપરવાસના પ્રવાહનું સતત નિરીક્ષણ કરી રહ્યા ન હતા અને જરૂરી સાવચેતીના પગલાં પણ લીધા ન હતા.

સંસ્થાએ જણાવ્યું કે 14 સપ્ટેમ્બરના રોજ નર્મદા પર મધ્ય પ્રદેશમાં આવેલા બરગી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. CWC અનુસાર, 15 સપ્ટેમ્બરની મોડી સાંજ સુધીમાં, નર્મદાના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના સ્તરમાં વધારો થયો હતો. ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર બંને ડેમ 15 સપ્ટેમ્બરના રોજ તેમના FRL (ફુલ રિઝર્વોયર લેવલ)ની નજીક હતા જ્યારે બરગી ડેમ FRL પર પહોંચ્યો હતો. જ્યારે કોર્પોરેશનને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે કંઈ કર્યું નહીં.

બ્રેકિશ વોટર રીચર્સ સેન્ટરએ દરિયાકાંઠાના સમુદાયોના લાભ માટે દરિયાઈ પર્યાવરણની સુરક્ષા માટે કામ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button